મુંબઈઃ અસ્થમા તથા શ્વાસને લગતી અન્ય બીમારીઓની દવાઓના ઉત્પાદન ખર્ચમાં 300 ટકાનો વધારો થયો હોવાથી આ દવાઓની કિંમતમાં વધારો કરવા દેવાની દવા ઉત્પાદક કંપની સિપ્લાએ કેન્દ્ર સરકાર પાસે પરવાનગી માગી છે.
ન્યૂઝ 18ના અહેવાલ અનુસાર, મુંબઈસ્થિત ફાર્મા કંપની સિપ્લાએ દેશમાં દવાઓની કિંમતની નિયામક એજન્સી નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA)ને લખેલા પત્રમાં કંપનીએ અસ્થમાની સારવાર માટે વ્યાપક રીતે વપરાતી દવાઓના ઉત્પાદન ખર્ચમાં અત્યંત વધારો થયાની રજૂઆત કરી છે. NPPA એજન્સી દેશમાં દવાઓની કિંમત તથા દવાઓની ઉપલબ્ધતા પર દેખરેખ રાખતી કેન્દ્રીય એજન્સી છે. તે કેન્દ્ર સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.
