14-સપ્ટેમ્બરની એપલ-ઈવેન્ટમાં ‘આઈફોન 13’ લોન્ચ થવાની ધારણા

મુંબઈઃ એપલ કંપનીએ 14 સપ્ટેમ્બરે એપલ ઈવેન્ટ યોજવાની જાહેરાત કરી છે. એ દિવસે કંપની તેના આઈફોનની નવી આવૃત્તિ રૂપે ‘આઈફોન 13’ લોન્ચ કરે એવી ધારણા છે. એ જ કાર્યક્રમમાં ‘વોચ સિરીઝ 7’ પણ લોન્ચ કરાય એવી ધારણા એપલના ચાહકો રાખે છે.

કાર્યક્રમના આયોજનની જાહેરાતમાં કેલિફોર્નિયા સ્થિત એપલ કંપનીએ એમ નથી જણાવ્યું કે ‘આઈફોન 13’ એ જ વખતે લોન્ચ કરાશે, પરંતુ એવા સંકેતો મળ્યા છે કે નવો આઈફોન ત્યારે જ લોન્ચ કરાશે. 14 સપ્ટેમ્બરની ઈવેન્ટમાં એપલ ‘આઈફોન 13’ના ચાર મોડેલની જાહેરાત કરે એવી ધારણા છે. વેનિલા આઈફોન 13 ઉપરાંત આઈફોન 13 મિની, આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સ પણ લોન્ચ કરાય એવી ધારણા છે. એવો અહેવાલ છે કે બ્રિટનમાં લગભગ એક કરોડ જેટલા લોકો ‘આઈફોન 13’ ખરીદવા ઈચ્છે છે. ભારતમાં ‘આઈફોન 13’ આ વર્ષના ઓક્ટોબરમાં ઉપલબ્ધ થશે એવી ધારણા રખાય છે. 14 સપ્ટેમ્બરની એપલ ઈવેન્ટ બાદ તરત જ ભારતમાં મળનાર ‘આઈફોન 13’ની કિંમત પણ જાહેર થશે એવી ધારણા છે.