‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં રવિવાર 17 જુલાઈ, 2022એ નિષ્ણાત વક્તાઓએ ‘સંપત્તિ ફાળવણી છે ઉત્કૃષ્ટ’ (Edge of Asset Allocation) વિષય પર જ્ઞાનવર્ધક અને માહિતીપ્રદ ચર્ચા કરી હતી તથા દર્શકો-રોકાણકારોને માર્ગદર્શન આપ્યું હતું. ચર્ચાના મુદ્દા હતાઃ સંપત્તિ ફાળવણીનાં લાભ, મૂડીરોકાણ કરવા માટે ઉપલબ્ધ છે વિવિધ સંપત્તિ શ્રેણીઓ તથા સક્રિય અને ગતિશીલ સંપત્તિ ફાળવણી.
આ વખતના વેબિનારમાં આ નિષ્ણાતોએ ભાગ લીધો હતોઃ કે.એસ. રાવ (હેડ, ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટ, આદિત્ય બિરલા સનલાઈફ AMC લિમિટેડ), આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના રીટેલ સેલ્સ વિભાગના વડા ભવદીપ ભટ્ટ તથા પર્સનલ ફાઈનાન્સ વિષયના લેખક તથા નિષ્ણાત અમિત ત્રિવેદી. અમિતભાઈએ કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું.
રાવે ગ્રાફિક્સ સાથે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. એમણે EDGE નો અર્થ સમજાવતા કહ્યું કે, E એટલે ઈક્વિટી, D એટલે ડેટ, G એટલે ગોલ્ડ અને બીજો E એટલે રિયલ એસ્ટેટ બિઝનેસ. એમણે કહ્યું કે આ એવી મેથોડોલોજી છે જે દ્વારા તમે તમારા પોર્ટફોલિયોનું ઘડતર કરી શકો છો, તમારા નાણાંને વિવિધ રીતે ઈન્વેસ્ટ કરી શકો છો. તમારા વળતરનો આધાર તમે કયા પ્રકારનું જોખમ ખેડો છો એની પર રહે છે. એસેટ એલોકેશનનો હેતુ જોખમને ઘટાડવાનો અને વળતરને વધારવાનો છે. સંપત્તિ વૃદ્ધિમાં તમારે યોગ્ય પ્રકારના મૂડીરોકાણની આવશ્યક્તા રહે છે. આમાં તમને સાચો ફાઈનાન્સિયલ સલાહકાર યોગ્ય માર્ગદર્શન આપી શકે છે.
એસેટ એલોકેશન શું છે? એ વિશે સમજાવતાં રાવે કહ્યું કે, આનો સાદો અર્થ એ છે કે હું મારાં નાણાં જુદી જુદી સંપત્તિમાં કેવી રીતે રોકું છું.
અમિત ત્રિવેદીએ કહ્યું કે, હાઈવે ખુલ્લો મળે એટલે આપણે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવીએ છીએ. પરંતુ જ્યાં સુધી બધું બરાબર ચાલે ત્યાં સુધી આપણને મજા આવે, રોમાંચનો અનુભવ થાય. પણ અમુક એવા અવરોધ આવી પડે છે જ્યારે અચાનક બ્રેક મારવાનો પણ સમય મળતો નથી. એવી જ રીતે, એવા પ્રકારની એસેટમાં રોકાણ કરવું કે આપણી જરૂરિયાત પ્રમાણે વળતર મળે.
સંપત્તિની ફાળવણી ઈન્વેસ્ટરને કઈ રીતે મદદરૂપ થઈ શકે? એના જવાબમાં ભવદીપ ભટ્ટે કહ્યું કે, એસેટ એલોકેશનની જરૂર એટલા માટે છે કે આપણે ભવિષ્યને ભાંખી શકતા નથી. કોઈ પણ ઈક્વિટી કે એસેટ ક્લાસની અંદર ગમે ત્યારે કરેક્શન આવી શકે છે, ગમે ત્યારે અનિશ્ચિતતા સર્જાઈ શકે છે. સંપત્તિની ઉચિત રીતે ફાળવણી કરવાથી તમારા પોર્ટફોલિયોને સારી સ્થિરતા મળે છે.
વેબિનારમાં કેટલાક શ્રોતાઓએ સવાલ મોકલ્યા હતા. જેના નિષ્ણાત વક્તાઓએ જવાબ આપ્યા હતા અને શ્રોતાઓ-ઈન્વેસ્ટરોને અધિક માર્ગદર્શન આપ્યું છે.
અગાઉ, ‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ વેબિનારના આરંભે નિષ્ણાત વક્તાઓ તથા ઈન્વેસ્ટરો, દર્શકો- વાચકોનું સ્વાગત કર્યું હતું. તેમણે નિષ્ણાત વક્તાઓનો સંક્ષિપ્તમાં પરિચય કરાવ્યો હતો અને કહ્યું કે હાલ આપણે સૌ કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ. આપણે હવે ફરીથી પ્રી-કોવિડ અવસ્થામાં લગભગ પહોંચી ગયા છીએ એટલે નવી આશા જાગી છે.
(સંપૂર્ણ વેબિનાર માટે જુઓ આ વિડિયો)