ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણઃ આઇસી15-ઈન્ડેક્સ 234-પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ આ સપ્તાહે અનેક મોટી કંપનીઓનાં નાણાકીય પરિણામો અને અર્થતંત્રના ડેટા જાહેર થવા પહેલાં મંગળવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.

અમેરિકામાં સ્ટોક ફ્યુચર્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. એસએન્ડપી 500 ઇન્ડેક્સની સાથે સંકળાયેલા તથા નાસ્દાક 100ના ફ્યુચર્સમાં 0.3-0.3 ટકા તથા ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજના ફ્યુચર્સમાં 0.2 ટકા વધારો થયો હતો.

આર્થિક અનિશ્ચિતતાના વાતાવરણમાં કંપનીઓનાં પરિણામો કેવાં આવે છે તેના પર રોકાણકારોની મીટ મંડાયેલી છે. અનિશ્ચતાને પગલે ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જોમાં 620 મિલ્યન ડોલરના ફ્યુચર્સ ઓળિયાંનું લિક્વિડેશન કરાયું હતું. તેમાં 60 ટકા એટલે કે લગભગ 390 મિલ્યન ડોલરનાં ઓળિયાંનું લિક્વિડેશન 12 કલાકના ગાળામાં થયું હતું.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.74 ટકા (234 પોઇન્ટ) ઘટીને 31,076 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,315 ખૂલીને 32,635 સુધીની ઉપલી અને 30,092 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
31,315 પોઇન્ટ 32,635 પોઇન્ટ 30,092 પોઇન્ટ 31,076 પોઇન્ટ

ડેટાનો સમયઃ 19-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)