બજેટ 2023: ટેક્સ પદ્ધતિને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની તક

અમદાવાદઃ આ વખતનું બજેટ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં છેલ્લું સંપૂર્ણ બજેટ હોઈ શકે. એ NDA સરકારનું 10મું બજેટ હશે. હાલ વિશ્વના આર્થિક આકાશ પર ભારત એક ચમકતો સિતારો છે. વિશ્વનાં મોટાં અર્થતંત્રોમાં ભારતીય આર્થિક ગ્રોથ સૌથી વધુ છે. ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, જ્યારે પર્ચેઝિંગ પાવર પેરિટીમાં એ ત્રીજા ક્રમાંકે છે.

ભારતીય અર્થતંત્રમાં કોરોના વાઇરસની અસર પછી ઝડપથી રિકવરી જોવા મળી છે. નાણાં વર્ષ 2022-23માં નોમિનલ GDP રૂ. 273 લાખ કરોડ રહેવાનો અંદાજ છે. આમ GDPમાં આશરે રૂ. 32 લાખ કરોડનો વધારો થશે. સરકારને ટેક્સેશનથી જોડાયેલા મુદ્દાઓને હળ કરવા માટે બજેટ 2023માં ઉપયોગ કરવો જોઈએ. લાંબા સમયથી ફુગાવો ઊંચા સ્તરે છે, તેમ છતાં ઇન્કમ ટેક્સના રેટ્સમાં ફેરફાર નથી કરવામાં આવ્યો. મધ્યમ વર્ગને ટેક્સ સ્લેબમાં વધારની અપેક્ષા છે. હાલ હાઉસિંગ સેવિંગ્સ, વ્યાજ પર કેટલાય પ્રકારની છૂટછાટ અને કપાત ઉપલબ્ધ છે.

સરકારે બે વર્ષ પહેલાં ટેક્સ માળખું સરળ બનાવવાના પ્રયાસ કર્યા હતા. હવે સરકાર પાસે અપેક્ષા છે કે ટેક્સ સ્લેબ્સમાં મોટા ફેરફાર કરશે. ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરવાથી એનું માળખું સરળ થશે. ડોનેશન માટે સેક્શન 80 G અને હેલ્થ ઇન્શ્યોરન્સ  માટે 80 Dને સિવાય બાકી બધી છૂટ પરત લેવાની જરૂર છે. આ ઉપરાંત એસેટ્સ પર લાગતા કેપિટલ ગેન્સને સરળ બનાવવાની જરૂર છે, કેમ કે એમાં બહુ અસમંજસતા છે, કેમ કે  ટેક્સ વિવાદના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.