સાઉદીનો ફટકો શેરબજારમાંઃ સેન્સેક્સમાં 642 અંકનું મસમોટું ગાબડુ

મુંબઈ: કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પગલાં શેરબજારમાં સતત થઈ રહેલા ધોવાણને અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેમાંય સાઉદીમાં ઓઈલના કૂવા પર હુમલો અને આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોમાં વધારાને પગલે ઘરઆંગણે શેરબજારમાં કડાકો બોલયો છે. ગઈકાલે 200 પોઈન્ટ્સ જેટલા ઘટાડા બાદ આજે પણ સેન્સેક્સમાં ધોવાણ ચાલુ રહ્યું હતુ. આજે બીએસઈ સેન્સેક્સ 642.22 પોઈન્ટ્સના ગાબડાં સાથે 36,481 ના સ્તરે બંધ આવ્યો હતો. તો એનએસઈ પર નિફ્ટી 185 અંકના ગાબડા સાથે 10,871 ના સ્તરે બંધ આવ્યું હતું.

તમામ સેક્ટોરલ ઈન્ડેક્સેસ લાલ નિશાન પર આવી ગયા હતાં. ઓટોઈન્ડેક્સની વાત કરીએ તો તેમાં 1.75 ટકાના ઘટાડો જોવા મળ્યો.  શેરની વાત કરીએ તો સેન્સેક્સ પર ગેલ,ટાઈટન અને યૂપીએલના શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.

સપ્તાહના બીજા દિવસે બેન્કિંગ, ઓટો, મેટલ અને આઈટી શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. હીરો મોટો કોર્પ, ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ, મારૂતિ, એસબીઆઈ, બજાજ ઓટો, ઈન્ડસલેન્ડ બેન્ક, યસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એચડીએફસીના શેર રેડ ઝોન સાથે બંધ થયાં હતાં.

સાઉદી અરબમાં ઓઈલ કંપની અરામકોના બે પ્લાન્ટ પર થયેલા ડ્રોમ હુમલાના કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડઓઈલના વધી ગયેલા ભાવ, ડોલરની સામે રૂપિયાની કિંમતમાં ઘટાડો અને અમેરિકાની કેન્દ્રીય બેન્કની બેઠક પહેલા સતર્કતાના કારણે મંગળવારે બજારમાં વેચાવલીને દોર જોવા મળ્યો છે. મંગળવારે સવારથી જ બજાર નીચું ચાલતું હતું. ડોલરની સામે રૂપિયો 71.88ના સ્તરે પહોંચી ગયો છે.

ફેડરલ રિઝર્વની બેઠક પહેલા રેટ કટની સંભાવનાને લઈને પણ બજારમાં નિરાશા છે. માર્કેટ એનાલિસ્ટો વ્યાજ દરોમાં ઘટાડાનું અનુમાન છે. અમેરિકાના રાષ્ટ્રપતિ લાંબા સમયથી રેટ કટની માગ કરી રહ્યાં છે.