મિસ્બાહ ઉલ હકે પાકિસ્તાની ક્રિકેટરો માટે બિરયાની, મીઠાઈ બંધ કરાવી

લાહોર – ભૂતપૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે પાકિસ્તાન ટીમના નવા હેડ કોચ બનતાવેંત પરાક્રમ કર્યું છે. એમણે ટીમના ખેલાડીઓ માટે બિરયાની અને મીઠાઈ ખાવાની મનાઈ ફરમાવી દીધી છે.

એક પાકિસ્તાની પ્રશંસકે ઈન્ટરનેટ પર શેર કરેલો એ વિડિયો યાદ છે જે બતાવીને એણે એવો આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ એહમદ અને એના સાથીઓએ ભારત સામેની વર્લ્ડ કપ મેચ પૂર્વે પિઝ્ઝા અને બર્ગર ખાધા હતા અને એને કારણે જ તેઓ 16 જૂને ઓલ્ડ ટ્રેફ્ફર્ડ ખાતેની મેચમાં હારી ગયા હતા.

એવું લાગે છે કે નવા કોચ મિસ્બાહે પોતાની ટીમના ખેલાડીઓની બગડી રહેલી ફિટનેસની નોંધ લીધી છે અને તેઓ મેદાન પર શારીરિક રીતે વધારે સુસજ્જ બને એમાં તેમને મદદરૂપ થવા માટે નવા આદેશ લઈને આવ્યા છે.

મિસ્બાહે રાષ્ટ્રીય શિબિરમાં હાજર થયેલા ખેલાડીઓને એમના આહારમાં ફેરફાર કરવા જણાવ્યું છે. સ્થાનિક ક્રિકેટ સ્પર્ધા માટે પણ એમણે ટીમમાં ફિટનેસની નવી કેળવણીને અપનાવવાનો નિશ્ચય કર્યો છે.

પોતાના આદેશમાં 43 વર્ષીય મિસ્બાહે કહ્યું છે કે ખેલાડીઓ બિરયાની ખાઈ નહીં શકે, તેલયુક્ત લાલ માંસવાળું ભોજન ખાઈ નહીં શકે તેમજ મીઠાઈ પણ ખાઈ નહીં શકે.

એક પાકિસ્તાની પત્રકારે ટ્વીટ કરીને કહ્યું છે કે અહેવાલોના જણાવ્યા મુજબ, મિસ્બાહ ઉલ હકે સ્થાનિક સ્પર્ધાઓમાં અને રાષ્ટ્રીય શારીરિક સુસજ્જતા શિબિરમાં ખેલાડીઓ માટે આહાર અને પોષણયુક્ત યોજનાઓમાં ફેરફાર ક્રયો છે. ખેલાડીઓ હવેથી બિરયાની કે તેલયુક્ત લાલ માંસવાળું ભોજન કે મીઠાઈઓ ખાઈ નહીં શકે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મિસ્બાહ ઉલ હકને પાકિસ્તાન ટીમના હેડ કોચ અને ચીફ સિલેક્ટર, એમ બંને કામગીરી સોંપી છે. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનિસને ત્રણ વર્ષ માટે બોલિંગ કોચ તરીકે નિમ્યા છે.

મિસ્બાહ-વકારની જોડીની પહેલી કામગીરી હશે શ્રીલંકા સામેની આગામી વન-ડે ઈન્ટરનેશનલ અને ટ્વેન્ટી-20 શ્રેણીઓ. ત્રણ-ત્રણ મેચોની આ બંને શ્રેણી પાકિસ્તાન ટીમ ઘરઆંગણે રમાવાની છે. એનો આરંભ 27 સપ્ટેંબરથી શરૂ થશે.