નવી દિલ્હીઃ નાણાપ્રધાને બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. તેમણે ઇન્કમ ટેક્સમાં મોટી છૂટ આપી છે. હવે રૂ. સાત લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે. સરકારે નવી ટેક્સ વ્યવસ્થાની જાહેરાત કરી છે. નાણાપ્રધાને કહ્યું હતું કે એનાથી ટેક્સપેયર્સને મોટો લાભ મળશે. અત્યાર સુધી રૂ. પાંચ લાખથી રૂ. 7.5 લાખની વાર્ષિક ઇન્કમ પર 20 ટકા ટેક્સના દર લાગુ પડતો હતો.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે ટેક્સ રિટર્ન સરળ બનાવવામાં આવશે. રિટર્ન માટે નવા ઇન્કમ ફોર્મ જારી કરવામાં આવશે. નાણાપ્રધાને મધ્ય વર્ગ માટે પાંચ મોટી જાહેરાત કરી છે. ઇન્કમ ટેક્સ છૂટ રૂ. પાંચ લાખથી વધારીને રૂ. સાત લાખ કરી છે.બજેટમાં નવા ટેક્સ સ્લેબ આ મુજબ છે. ઝીરોથી રૂ. ત્રણ લાખ સુધી ઝીરો ટેક્સ રૂ. ત્રણથી રૂ. છ લાખ પર પાંચ ટકા, રૂ. છથી રૂ. નવ લાખ પર રૂ. 10 ટકા, રૂ. નવથી રૂ. 12 લાખ પર 15 ટકા, રૂ. 12 લાખથી રૂ. 15 લાખ પર 20 ટકા, રૂ. 15થી વધુ લાખ પર 30 ટકા ટેક્સ લાગશે. આ સાથે જૂની ટેક્સ વ્યવસ્થા ખતમ કરવામાં આવી છે.
નાણાપ્રધાને વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે.નાણાપ્રધાને વરિષ્ઠ નાગરિક ખાતા યોજનાની મર્યાદા રૂ. 4.5 લાખથી રૂ. નવ લાખ કરવામાં આવશે. મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ થશે, એમાં મહિલાઓ માટે રૂ. બે લાખની બચત પર 7.5 ટકા વ્યાજ મળશે.