નવી દિલ્હી – અમેરિકાની કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવવાના છે અને નવી દિલ્હીમાં એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ટોચના અધિકારીઓ તથા ભારતના ઉદ્યોગક્ષેત્રના આગેવાનોને પણ મળે એવી ધારણા છે.
બેઝોસ 15-16 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં નિર્ધારિત એક કાર્યક્રમ ‘SMBhav’માં હાજરી આપવા ભારત આવી રહ્યા છે. એ કાર્યક્રમ ભારતમાં નાના તથા મધ્યમ સ્તરના ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવાને લગતો છે.
ભારતના પ્રવાસ અને વડા પ્રધાન મોદી સાથે મુલાકાત અંગે બેઝોસે પોતે હજી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.
એમેઝોન કંપની ભારતમાં તેના વ્યાપારમાં નોંધપાત્ર વૃદ્ધિ કરવા ધારે છે. જોકે એમેઝોન અને વોલ્માર્ટની માલિકીની ફ્લિપકાર્ટ સહિત ઈ-કોમર્સ કંપનીઓ સામે ભારતમાં નાના અને મધ્યમ સ્તરના વેપારીઓમાં રોષ પ્રગટે છે, એનાથી પણ એમેઝોન વાકેફ છે. આવી ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને વધારે પડતા ઊંચા ડિસ્કાઉન્ટ ઓફર કરીને અયોગ્ય ધંધાકીય પ્રથા ચલાવે છે એવો ભારતના વેપારીઓનો આરોપ છે.
ભારત સરકારે વિદેશી મૂડીરોકાણની સાથે ઈ-કોમર્સ માર્કેટપ્લેસીસ માટેના નિયમોને ગયા વર્ષે વધારે કડક બનાવ્યા હતા.
આ નિયમો અંતર્ગત ઈ-કોમર્સ કંપનીઓ પર અમુક નિયંત્રણો લાદ્યા છે. એને પગલે એમેઝોનને તેનાં જોઈન્ટ વેન્ચર્સમાં પુનર્ઘડતર કરવાની ફરજ પડી છે.