અદાણી એન્ટરપ્રાઇઝીસે વિલ્મરમાં હિસ્સો વેચ્યાનું ખંડન કર્યું

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસે કહ્યું હતું કે કંપની વિલ્મરમાં પોતાનો હિસ્સો નથી વેચી રહી. FMCG કંપની અદાણી વિલ્મરમાં સિંગાપોરમાં વિલ્મર ગ્રુપની સાથે સંયુક્ત સાહસમાંથી પોતાનો 44 ટકા હિસ્સો વેચી રહી છે, એવા અહેવાલોને અદાણીએ ખોટા ઠરાવ્યા હતા અને સ્પષ્ટીકરણ જારી કર્યું હતું.   

અદાણી વિલ્મરનું માર્કેટ વેલ્યુયેશન 6.17 અબજ ડોલર છે અને એ 23 પ્લાન્ટો ધરાવે, જે 10 રાજ્યોમાં છે. અમે સ્પષ્ટતા કરવા ઇચ્છીએ છીએ કે કંપનીમાં અદાણી ગ્રુપે હિસ્યો વેચ્યાના અહેવાલો ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. આ સાથે સેબીના લિસ્ટિંગના રેગ્યુલેશન 30 મુજબ જો જરૂર જણાશે તો અમે ચોક્કસ ખુલાસો કરીશું, એમ અદાણી ગ્રુપે જણાવ્યું હતું.

અહેવાલો મુજબ અદાણી ગ્રુપ કેટલાક મહિનાઓથી અદાણી વિલ્મરમાં પોતાનો 44 ટકા હિસ્સો વેચવા માટે વિચારી રહ્યું છે. હાલ અદાણીના શેરની કિંમતો આશરે 2.7 અબજ ડોલર છે. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે વેચાણ પછી ગૌતમ અદાણી અને પરિવાર વ્યકિતગત ક્ષમતાથી કંપનીમાં લઘુમતી હિસ્સો જાળવી રાખશે. આ ન્યૂઝ બજારમાં ફેલાતાં અદાણી શેરોમાં ભારે ચડઊતર થઈ હતી. જોકે કંપનીએ વિલ્મરમાં હિસ્સો વેચ્યાના અહેવાલોનું ખંડન કર્યું હતું.

અહેવાલ  પછી અદાણી વિલ્મરના શેરો બુધવારે ચાર ટકા ઘટીને બંધ થયા હતા. એ પછી ગઈ કાલે કંપનીનો શેર વધુ 1.30 ટકા ઘટ્યો હતો. અદાણી વિલ્મર ખાદ્ય તેલથી માંડીને લોટ, ચોખા-દાળ અને મસાલા જેવી ચીજવસ્તુઓનું વેચાણ કરે છે.