RBIએ વ્યાજદર યથાવત્ રાખ્યાઃ EMI નહીં વધે

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે (RBIએ) સામાન્ય લોકોને મોટી રાહત આપતાં રેપો રેટ યથાવત્ રાખ્યા છે. RBI MPCની દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષા બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી આપતાં બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે MPCએ રેપો રેટને 6.5 ટકા જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBIની ધિરાણ નીતિની સમીક્ષા બેઠક આઠ, નવ અને 10 ઓગસ્ટે થઈ હતી. RBIએ સતત ત્રીજી વાર મોનિટરી પોલિસીમાં રેપો રેટમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી કર્યો. આમ હોમ લોનના હપતામાં હાલ વધારો નહીં થાય.

આ સાથે સ્ટેન્ડિંગ ડિપોઝિટ રેટ 6.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ પણ 6.75 ટકા છે. રિઝર્વ બેન્કે મે, 2022થી ફેબ્રુઆરી, 2023 દરમ્યાન રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો.બેન્કના અંદાજનુસાર ચાલુ નાણાકીય વર્ષ દેશનો GDP ગ્રોથ 6.5 ટકા રહેવાની શક્યતા છે. બેન્કે પહેલા ત્રિમાસિકમાં આઠ ટકા, બીજા ત્રિમાસિકમાં 6.5 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં છ ટકા અને ચોથા ત્રિમાસિકમાં 5.7 ટકા GDP ગ્રોથ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

જોકે બેન્ક દેશમાં પડેલા અનિયમિત વરસાદને લીધે જુલાઈથી ઓગસ્ટની વચ્ચે શાકભાજીની કિંમતમાં વધારાને કારણે મોંઘવારી દર વધવાની સંભાવના વ્યક્ત કરી હતી. જોકે MPC મોંઘવારી દર ચાર ટકા પર સીમિત રાખવા પ્રતિબદ્ધ છે. RBIનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રિટેલ મોંઘવારી દર 5.4 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.

જોકે નિષ્ણાતોનું કહેવું છે કે RBI ગવર્નર શક્તિકાંત દાસે રિટેલ મોંઘવારી દરનો અંદાજ વધાર્યો છે, જેથી આગામી કેટલાક ત્રિમાસિક રેપો રેટમાં ઘટાડો થવાની શક્યતા નહીંવત્ છે.