શેરમાં હેરાફેરીનું પ્રકરણ: અભિનેતા અર્શદ વાર્સી પર શેરબજાર-ટ્રેડિંગનો પ્રતિબંધ

મુંબઈઃ સાધના બ્રોડકાસ્ટ અને શાર્પલાઈન બ્રોડકાસ્ટ આ બે કંપનીના શેરમાં હેરાફેરી કરવાના પ્રકરણમાં સ્ટોક માર્કેટ નિયામક એજન્સી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ બોલીવુડ અભિનેતા અર્શદ વાર્સી, એની પત્ની મારિયા ગોરેટી તથા અન્ય 30 જણ સામે મોટી કાર્યવાહી કરી છે. સેબી સંસ્થાએ આ તમામ પર એક વર્ષ સુધી શેરબજારમાં સોદાઓ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આને કારણે હવે આ તમામ લોકો એક વર્ષ સુધી કોઈ પણ શેરમાં લે-વેચ કરી નહીં શકે.

અર્શદવાર્સી, મારિયા, અર્શદના ભાઈ ઈકબાલ વાર્સી તથા અન્ય 31 જણની સંસ્થાએ સાધના બ્રોડકાસ્ટિંગના શેરનું મૂલ્ય કૃત્રિમ રીતે વધારીને એ શેર વેચ્યા હતા. એને કારણે એમને આશરે 41.90 કરોડનો નફો થયો હતો. આમાં અર્શદે 29 લાખ જ્યારે એની પત્નીને 38 લાખ રૂપિયાનો નફો થયો છે. સાધના બ્રોડકાસ્ટના શેરની ભલામણ કરવા માટે બે યૂટ્યૂબ ચેનલો પર અમુક ગેરમાર્ગે દોરતા વિડિયો અપલોડ કર્યા હતા, જેથી લોકો તે શેર ખરીદવા લલચાય, શેરોનું વેચાણ વધતાં એનો ભાવ ઉંચકાય. આવું કરવા બદલ સેબી સંસ્થાએ તમામ 31 જણને ઠપકો આપ્યો છે. સેબી સંસ્યાને ફરિયાદો મળી હતી કે ટેલિવિઝન ચેનલ સાધના બ્રોડકાસ્ટ અને નવી દિલ્હીસ્થિત શાર્પલાઈન બ્રોડકાસ્ટના શેરમાં અમુક સંસ્થાઓ દ્વારા કિંમતમાં ગોલમાલ કરવામાં આવી છે અને શેર વેચવામાં આવ્યા છે.

વાર્સી અને મારિયાએ એમની સામેના આક્ષેપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે અમને તો શેરબજાર વિશે ઝીરો જ્ઞાન છે.