નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન (ITR) દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 છે. આ સમયમર્યાદા ચૂકવાથી ભારે નુકસાન થઈ શકે છે. પછી ભલે તમારી પાસે ચુકવણી કરવા માટે કોઈ ટેક્સ ના હોય. ચાલુ વર્ષે દેશના અને ભાગોમાં પડેલા ભારે વરસાદને કારણે અને પૂરની સ્થિતિને કારણે સંખ્યાબંધ કરદાતાઓ ITR ડેડલાઇન ચૂકી જવાની શક્યતા છે. જોકે આ ડેડલાઇન પછી પણ ITR ભરાઈ શકે છે પણ કરદાતાએ એ માટે દંડ ભરવો પડશે.
હાલમાં કરવામાં આવેલા સર્વેમાં માલૂમ પડ્યું હતું કે 14 ટકાથી વધુ વ્યક્તિગત કરદાતાઓ ITR ભરવાની 31 જુલાઈની ડેડલાઇન ચૂકી જવાની શક્યતા છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દિલ્હી NCR સહિત પૂર પ્રભાવિત રાજ્યોમાં વ્યક્તિ કરદાતાઓ વિષમ પરિસ્થિતિને કારણે ITR ભરવામાં અસમર્થ છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં દેશભરના 315 જિલ્લાઓમાં 12,000 ઉત્તરદાત્તા- કરદાતાઓની પ્રતિક્રિયા પર આધારિત છે, એમ લોકલસર્કલ્સનો સર્વે કહે છે.
કરદાતા ITR ભરવા માટે સમયમર્યાદા વધારવાની માગ કરી રહ્યા છે, પણ સરકાર આ સંબંધે કોઈ રાહત આપવાના પક્ષમાં નથી. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે શુક્રવારે નાણાકીય વર્ષ 2022-23નાં 5-03 કરોડથી વધુ ITR દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 88 ટકા કરદાતાઓએ ઓનલાઇન ITR ફાઇલ કર્યાં હતાં. આ સાથે 31 જુલાઈ, 2022એ 5.83 કરોડ ITR દાખલ થયાં હતાં, જે એના આગામી વર્ષના 4.83 કરોડની તુલનાએ ઘણા વધુ હતા.