હોસ્ટેલ, પેઈંગ ગેસ્ટના ભાડા પર હવે લાગશે 12% જીએસટી

મુંબઈઃ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા લોકો ઉપર પણ હવે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ થવાનો છે. હોસ્ટેલમાં રહેવા માટે અને પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા માટે જે રકમનું ભાડું ભરવામાં આવે તેની ઉપર વાર્ષિક દરે 12 ટકા જીએસટી ચૂકવવાનો રહેશે. આ આદેશ કર્ણાટકમાં ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ્સ (એએઆર) દ્વારા બે અલગ અલગ અરજીઓ પરની સુનાવણી વખતે આપવામાં આવ્યો છે.

એએઆરના ચુકાદા અનુસાર, હોસ્ટેલમાં રહેનારાઓ અને પેઈંગ ગેસ્ટ તરીકે રહેનારાઓને ‘નોન-રેસિડેન્શલ’ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે તેથી હવે એમણે નાની હોટેલો અને ઈન્સ (ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ વગેરે)માં રહેનારાઓની જેમ 12 ટકા જીએસટી ચૂકવવાનો રહેશે. એએઆરના સંસદસભ્યો રવિપ્રસાદ અને કિરણ રેડ્ડીએ તેમના ચુકાદામાં કહ્યું કે, રહેવાસીઓ દ્વારા PG કે હોસ્ટેલ માટેનું જે ભાડું ચૂકવવામાં આવે તે નવા નોટિફિકેશન હેઠળ જીએસટી મુક્તિને પાત્ર નથી, કારણ કે એમને પૂરી પાડવામાં આવતી આ સેવાઓને આવાસના ઉપયોગ માટે રહેવાસીઓ પાસેથી લેવામાં આવતા ભાડાની સાથે સરખાવી શકાય નહીં. કોઈ પણ નિવાસી ફ્લેટ, ઘર, PG અથવા હોસ્ટેલને એક સરખા ગણાવી શકાય નહીં. આ પરિસ્થિતિમાં, હોસ્ટેલ અને પીજી જેવા વ્યાવસાયિક વ્યવહાર કરનાર સ્થાનો પર 12 ટકા જીએસટી લાગશે.