ટોચની 10માંથી 7 કંપનીઓને ગઈ કરોડોની ખોટઃ HDFC બેન્કને પડ્યો સૌથી મોટો માર

મુંબઈ – ગયા શુક્રવારે પૂરા થયેલા સપ્તાહમાં મુંબઈ શેરબજારમાં સેન્સેક્સે જે ગુલાંટ મારી હતી એને કારણે દેશની ટોચની 10 મોસ્ટ વેલ્યુએબલ કંપનીઓમાંની 7 કંપનીઓને સંયુક્ત રીતે 1 ટ્રિલિયન રૂપિયા જેટલી ખોટ ગઈ હતી. આમાં HDFC બેન્કને સૌથી મોટો ફટકો પડ્યો હતો.

HDFC બેન્કે રૂ. 30 હજાર કરોડ ગુમાવ્યા હતા.

જેમની માર્કેટ-કેપિટલને ફટકો પડ્યો હતો એવી અન્ય કંપનીઓ છે – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલીવર, કોટક મહિન્દ્ર બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને બજાજ ફાઈનાન્સ.

ગયા સપ્તાહમાં મુંબઈ શેરબજારનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ કુલ 1,149.26 પોઈન્ટ તૂટ્યો હતો જ્યારે રાષ્ટ્રીય સ્તરનો નિફ્ટી આંક 337.65 પોઈન્ટ ગબડ્યો હતો.

ટાટા કન્સલ્ટન્સી (ટીસીએસ), ઈન્ફોસીસ અને આઈટીસી જેવી કંપનીઓની માર્કેટ કેપમાં વૃદ્ધિ નોંધાઈ હતી.

HDFC બેન્કનું માર્કેટ વેલ્યુએશન 30,198.62 કરોડ રૂપિયા ઘટીને 6,50,446.47 કરોડ રૂપિયા થઈ ગયું છે.

ICICI બેન્કની માર્કેટ વેલ્યૂ 22,866.93 કરોડ રૂપિયાથી ગટીને 2,67,265.32 રૂપિયા થઈ જ્યારે કોટક મહિન્દ્ર બેન્કને રૂ. 15,624.6 કરોડનો ફટકો પડ્યો અને એની માર્કેટ વેલ્યૂ હવે રૂ. 2,98,413.27 કરોડ થઈ.

એનાથી વિપરીત, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 8,236.49 કરોડ વધીને રૂ. 7,79,989.45 થયું છે. તો ઈન્ફોસીસનું માર્કેટ કેપ રૂ. 4,681.59 કરોડ વધીને રૂ. 3,40,704.24 કરોડ થયું.