સ્વિસ બેંકમાં જમા ભારતીયોના નાણાની પ્રથમ યાદી ભારતને મળી હોવાના અહેવાલો

નવી દિલ્હી: કાળા નાણા (Black Money) વિરુદ્ધની લડાઈમાં ભારતને મોટી સફળતા હાથ લાગી છે. સ્વિસ બેંકમાં જમા ભારતીયોના કાળા નાણા સાથે જોડાયેલ પ્રથમ તબક્કાની માહિતી સ્વિટ્ઝર્લેન્ડે ભારતને સોંપી દીધી છે. આ યાદીમાં અત્યારે સક્રિય હોય તેવા ખાતાઓની પણ જાણકારી છે. સ્વિટ્ઝર્લેન્ડના સંઘીય કર પ્રશાસન (એફટીએ) એ 75 દેશોને એઈઓઆઈના વૈશ્વિક માપદંડો હેઠળ નાણાકીય ખાતા અંગેની માહિતીનું આદાન-પ્રદાન કર્યું છે, જેમાં ભારત પણ સામેલ છે.

સ્વિટ્ઝર્લેન્ડે 31 લાખ ખાતાઓની માહિતી આપી

એફટીએ સમજૂતીમાં સામેલ દેશોને કુલ 31 લાખ ખાતાઓની માહિતી આપવામાં આવી છે, જ્યારે આ દેશો તરફથી તેમને 24 લાખ ખાતાઓની માહિતી મળી છે. આ માહિતી વ્યક્તિનું નામ, એડ્રેસ, નેશનાલિટી, ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર, નાણાકીય સંસ્થાઓ સાથે જોડાયેલી સૂચનાઓ, ખાતામાં જમા રૂપિયા અને કેપિટલ ઈનકમનો સમાવેશ થાય છે.

એફટીએના પ્રવક્તાએ જણાવ્યું કે, જે ખાતા હાલ બેંકોમાં ચાલુ છે તેની માહિતી ભારતને પહેલીવા AEOI હેઠળ આપવામાં આવી છે. આ ઉપરાંત, 2018માં બંધ થઈ ગયેલા ખાતાની માહિતી પણ આપવામાં આવી છે. હવે આ સિસ્ટમ હેઠળ વધુ માહિતી સપ્ટેમ્બર 2020માં શેર કરવામાં આવશે.

સ્વિસ નેશનલ બેંક (SNB) દ્વારા અપાયેલા આંકડા અનુસાર, સ્વિસ બેંકોમાં ભારતીયોની કુલ જમા રકમ 2018માં લગભગ છ ટકા ઘટીને 6,757 કરોડ રુપિયા રહી છે. ગત બે દાયકામાં જમા રકમનું આ ત્રીજું સૌથી નીચલું સ્તર છે. 2018માં તમામ વિદેશી ગ્રાહકો દ્વારા સ્વિસ બેંકમાં જમા રકમ ચાર ટકાથી વધુ ઘટીને 99 લાખ કરોડ રુપિયાના સ્તરે પહોંચી હતી. બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટના લોકેશન બેન્કિગ સ્ટેટેસ્ટિક્સ અનુસાર, 2018માં ભારતીયો દ્વારા સ્વિસ બેંકમાં જમા રકમમાં 11 ટકાનો ઘટાડો આવ્યો છે.

100 બંધ થયેલા ખાતાઓની પણ જાણકારી

આ માહિતીમાં ભારતીયોના નામે ઓછામાં ઓછા 100 એવા જૂના ખાતાઓનો પણ સમાવેશ થાય છે જેને 2018 પહેલા જ બંધ કરી દેવામાં આવ્યા હતાં. સ્વિટ્ઝર્લેન્ડ આ ખાતાઓની માહિતી પૂરી પાડવાની પણ પ્રક્રિયામાં છે. આ ખાતા વાહન, રસાયણ, વસ્ત્ર, રિયલ એસ્ટેટ, હીરા અને ઝવેરાત, સ્ટીલ વગેરે જેવા બિજનેસ સાથે જોડાયેલા લોકો સંબંધિત છે.

સ્વિસ બેંકોમાં બ્લેક નાણા જમા કરાવવાની યાદીમાં ભારત 74મા નંબરે છે. જ્યારે પહેલું સ્થાન બ્રિટન અને બીજા નંબરે અમેરિકા છે. ત્રીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝ, ચોથા સ્થાને ફ્રાંસ અને પાંચમા સ્થાને હોંગકોંગ છે. બેંકમાં જમા 50 ટકાથી વધુ રુપિયા આ પાંચ દેશોના જ છે. બેન્કમાં જમા લગભગ 2/3 નાણાં ટોચના 10 દેશો વિકસિત દેશોના છે. ટોપ 10 દેશો સિવાયના દેશોમાં બહામાસ જર્મની, લક્ઝમબર્ગ, કાયમાન આયલેન્ડ્સ અને સિંગાપોર સામેલ છે.