અમદાવાદઃ શુક્રવારે શેરબજાર બંધ થવાની સાથે ટ્રેડર્સ, રોકાણકારો માટે સંવંત 2079 પણ પૂરું થઈ ગયું અને હવે દિવાળીના દિવસથી નવા સંવંત 2080નો પ્રારંભ થશે. રોકાણકારો માટે વીતેલું સંવંત સમૃદ્ધિનું પ્રતીક રહ્યું હતું. ગયા વર્ષમાં રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 46 લાખ કરોડનો વધારો થયો હતો. વર્ષ દરમ્યાન બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. હિન્દુ કેલેન્ડર વર્ષમાં નિફ્ટી 1849 પોઇન્ટ અથવા 10.5 ટકા વધીને 19,425ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 9.4 ટકાની તેજી સાથે 64,905ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગયા વર્ષ દિવાળી 24 ઓક્ટોબરે હતી, એ પહેલાં 21 ઓક્ટોબરે ટ્રેડિંગ થયાં હતાં અને એ દિવસે BSEમાં લિસ્ટ થયેલી બધી કંપનીઓનું કુલ બજાર મૂલ્ય રૂ. 2,74,41,800 કરોડ હતું, જે હાલ બજાર મૂલ્ય રૂ. 3,20,29,232ના સ્તરે છે. આમ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોની કુલ સંપત્તિમાં 45,87,432 કરોડનો વધારો થયો હતો. સંવંત 2079માં નિફ્ટી મિડકેપે 32 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સે 37 ટકા શાનદાર રિટર્ન આપ્યું હતું. જે છેલ્લા નવ વર્ષમાં સૌથી શ્રેષ્ઠ દેખાવ છે. બજારમાં આવેલી તેજીએ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો અને રિટેલ રોકાણકારોને આભારી હતી.
સંવંત 2079માં બજારે ઊંચા ફુગાવા, વ્યાજદરોમાં વધારો, ભૌગોલિક ટેન્શન ને અમેરિકામાં બેન્કિંગ સંકટ જેવી અડચણોનો સામનો કરવો પડ્યો હતો. ડિસેમ્બર, 2022થી ફેબ્રુઆરી, 2023ની વચ્ચે અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં FIIની વેચવાલી છતાં ઘરેલુ બજારો અપેક્ષા મુજબ દેખાવ કરવામાં સફળ રહ્યાં હતાં.માર્ચમાં ઇન્ડેક્સ આઠ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા હતા. જોકે US ફેડે વ્યાજદર વધુ નહીં વધારતા સંસ્થાકીય રોકાણકારો બજારમાં પરત ફર્યા હતા. સપ્ટેમ્બરમાં નિફ્ટીએ 20,222ની અને સેન્સેક્સે 67,927ની મહત્તમ સપાટી સર કરી હતી.