રાજકોટ: શહેર નજીક આવેલા વાગુદડ પાસેની સરકારી જમીન ઉપર ગેરકાયદે આશ્રમ ઊભો કરી દેવામાં આવ્યા બાદ આ જમીનનું દબાણ દૂર કરવા ત્યાં રહેતા એક સાધુને તંત્રે નોટિસ આપી હતી. પણ તેનો કોઈ જવાબ ન મળતા અંતે આજે તંત્ર એ બુલડૉઝર ફેરવી આ જમીન ઉપરનું દબાણ દૂર કર્યું હતું.
થોડાં દિવસો પહેલા આ સ્થળે રહેતા સાધુ ધર્મનાથે જી.એસ.ટી. વિભાગના એક અધિકારીની કારમાં તોડફોડ કરી હતી. વિવાદમાં આવ્યા બાદ તંત્ર એ તેના આશ્રમમાં તપાસ કરી તો ગેરકાયદે દબાણ જોવા મળ્યું હતું. સાથે જ ગાંજાનું વાવેતર થયાનું પણ બહાર આવ્યું હતું.
આજે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ લોધીકા તાલુકાના વડવાજડી ગામે રેવન્યુ સર્વે નં-૩૨ ની જગ્યા પર આશરે રૂ. 3 કરોડની કિંમતની ૩,૦૦૦ ચો.મી. સરકારી જગ્યામાં બનાવેલા આશ્રમનું શાંતિપૂર્વક ડિમોલીશન કરવામાં આવ્યું હતું અને સરકારી જમીન ખુલ્લી કરાવાઈ હતી.
લોધિકાના મામલતદાર ડી.એન.ભાડે જણાવ્યું હતું કે,”આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી. અનધિકૃત કબ્જો ખાલી કરવા 7 દિવસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેઓએ ધ્યાને ન લેતા ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું. ખાલી કરાયેલી જમીન પર ફરી વાર દબાણ ન થાય તે માટે આ જમીનના ફરતે ફેન્સિંગ કરવામાં આવશે.”ડિમોલીશન સમયે રેવન્યુ વિભાગના કર્મચારીઓ, પોલીસ, ફાયર અને પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઈ હતી.
( દેવેન્દ્ર જાની – રાજકોટ )
