રાજકોટ: આઝાદીના અમૃત મહોત્સવના અનુસંધાને સ્થાનિક વહીવટી તંત્રની સાથે રહીને ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું વિવિધ શહેરોમાં આયોજન કરાયું છે. શનિવારે સવારે 9 કલાકે રાજકોટમાં તિરંગા યાત્રાને કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પ્રસ્થાન કરાવશે. આ યાત્રા રાજકોટના વિવિધ માર્ગો ઉપર ફરીને જયુબેલી બાગ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પૂરી થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાજકોટમાં આ યાત્રામાં જોડાશે.પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડૉ. ભરત બોઘરએ યાત્રાના આયોજન અંગે શુક્રવારે રાજકોટમાં પત્રકારોને જણાવ્યું હતું કે , શહીદોને સલામી આપવા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓ આ યાત્રામાં હાજર રહેશે. આ ઉપરાંત રાજકોટની તમામ શાળાઓ, કોલેજ અને સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાશે. બહુમાળી ભવન ખાતે સવારે 9 વાગ્યે યાત્રાના પ્રસ્થાનનો કાર્યક્રમ યોજાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્યો, આગેવાનો અને રાજકોટના 1 લાખથી વધુ લોકો યાત્રામાં જોડાશે.
દેવેન્દ્ર જાની – રાજકોટ
તસવીર – નિશુ કાચા