નવી દિલ્હીઃ ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચની રચના માટે સરકાર સંસદના શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવાની છે. તેમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC), અખિલ ભારતીય ટેક્નિકલ એજ્યુકેશન કાઉન્સિલ (AICTE) અને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE)ને સમાપ્ત કરવાની યોજનાની પણ શક્યતા છે. સંસદના શિયાળુ સત્રમાં આયોગ બિલ, 2025ને સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે.
જોકે યુનિવર્સિટીઓના શિક્ષકોએ તેનો વિરોધ શરૂ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે સરકાર આ પંચ દ્વારા ઉચ્ચ શિક્ષણ અને જાહેર યુનિવર્સિટીઓનું ખાનગીકરણ કરવા માગે છે. સરકારનું કહેવું છે કે ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને વૈજ્ઞાનિક અને ટેક્નિકલ સંસ્થાઓમાં સમન્વય સ્થાપવા અને ધોરણો નક્કી કરવા આ પંચની રચના જરૂરી છે.સંસદીય સમિતિએ વ્યક્ત કર્યો હતો વિરોધ
એક જ રાષ્ટ્રીય સંસ્થા હોવાથી નિર્ણય પ્રક્રિયા ઝડપી થશે અને સંસ્થાકીય માળખું વધુ પારદર્શક અને અસરકારક બનશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ આ પંચનો ઉલ્લેખ થયો છે. તેને આધારે UGC, AICTE અને NCTEની જગ્યાએ એક જ પંચ કાર્ય કરશે. જ્યારે કાયદો અને ચિકિત્સા શિક્ષણને તેના વિસ્તારથી બહાર રાખવામાં આવે એવી શક્યતા છે.
પરંતુ રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહની અધ્યક્ષતા હેઠળની સંસદીય સમિતિએ આવા પંચના નિર્માણ પર આક્ષેપ કર્યો હતો. સમિતિનું કહેવું છે કે UGC જેવી સંસ્થાઓને સમાપ્ત કરી દેવાથી શિક્ષણ વ્યવસ્થામાં અસંતુલન સર્જાશે અને ખાનગીકરણને પ્રોત્સાહન મળશે. JNUના પ્રોફેસર સુરજિત મજુમદારએ જણાવ્યું હતું કે ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચ દ્વારા કેન્દ્રીય સરકાર ઉચ્ચ શિક્ષણ સાથે સરકારી યુનિવર્સિટીઓનું ખાનગીકરણ કરવા ઈચ્છે છે. આ પંચ મારફતે નિયમન અને નાણાકીય વ્યવસ્થાપનના કાર્યને અલગ કરવાનો વિચાર છે. સરકાર એવું માળખું ઊભું કરવા માગે છે કે જેમાં ઉચ્ચ શિક્ષણ પર નિયંત્રણ તો રહે, પરંતુ આર્થિક જવાબદારી ન રહે.
દિલ્હી યુનિવર્સિટી (DU)ની કાર્યકારી પરિષદના પૂર્વ સભ્ય રાજેશ ઝાએ જણાવ્યું હતું કે અમે ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચનો જોરદાર વિરોધ કરીએ છીએ, કારણ કે આ સરકાર દ્વારા કોલેજો અને યુનિવર્સિટીઓના ખાનગીકરણ તરફનું પગલું છે. કોઈ પણ ક્ષેત્રમાં નિયમનકારી સંસ્થા લાવવાનો અર્થ જ ખાનગીકરણ તરફ લઈ જવાનો હોય છે. એ સાથે જ આ પંચ યુનિવર્સિટીઓને અનુદાન નહીં આપે.યુનિવર્સિટીઓને લોન અને વિદ્યાર્થીઓની ફી ઉપર નિર્ભર બનાવવામાં આવશે. આથી ગરીબ અને પછાત વર્ગ માટે ઉચ્ચ શિક્ષણ વધુ મોંઘું બનશે, જે સામાજિક ન્યાય અને સમાનતા પર ગંભીર ઘા છે.




