અમદાવાદ: ભાજપે લોકસભા ચૂંટણી-2024 માટે જ્યારે પાંચમી યાદી જાહેર કરી ત્યારે તેમાં એક નામ જેણે સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યુ તે હતું અરૂણ ગોવિલનું. રામાનંદ સાગરની ટીવી સિરિયલથી ભારતના ઘર-ઘરમાં લોકપ્રિય બનેલા રામ એટલે કે અરૂણ ગોવિલને ભાજપે આ વખતે મેરઠ-હાપુર બેઠક પરથી ટિકિટ આપી છે. 22મી જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેક સમારોહ માટે અરુણ ગોવિલ અયોધ્યા પહોંચ્યા હતા અને મંદિરના પ્રાંગણમાં ભાજપના નેતાઓ વચ્ચે ઊભા હતા ત્યારે જ આ ધાર્મિક લહેર પાછળ એક રાજકીય નિર્ણય આકાર લઈ રહ્યો હોય તેમ લાગ્યું હતું. આટલાં વર્ષો સુધી રાજનીતિથી દૂર રહેનારા અરુણ ગોવિલે આ વર્ષે દેશમાં જે રામ લહેર ચાલી રહી છે તેનાં પર સવાર થઈને રાજકીય ગલિયારીઓની વાટ પકડી લીધી છે. મેરઠમાં મોટા થયેલા અને નાના પડદે ભગવાન રામની ભૂમિકા ભજવીને સમગ્ર દેશમાં લોકપ્રિય બની ગયેલા અરૂણ ગોવિલે ભગવો ધારણ કરીને પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી છે.રામાનંદ સાગરની લોકપ્રિય સિરિયલ રામાયણમાંથી અરૂણ ગોવિલ પ્રથમ અભિનેતા નથી કે જેમને પોતાની લોકપ્રિયતાના આધારે રાજકારણમાં પ્રવેશ મળ્યો હોય. આ પહેલાં પણ દીપિકા ચીખલિયા અને અરવિંદ ત્રિવેદીને ભાજપે લોકસભાની ટિકિટ આપી છે. અરૂણ ગોવિલ પહેલાં રામાયણમાં દેવી સીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયાને ભાજપે 1991માં વડોદરા બેઠક પરથી ટિકિટ આપી હતી. તેઓ વડોદરાથી વિજેતા પણ બન્યા હતા. વર્ષ 1991માં જ ભાજપે સાબરકાંઠા બેઠક પરથી રાવણની યાદગાર ભૂમિકા ભજવનાર ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીને ટિકિટ આપી હતી. તેમને પણ સાબરકાંઠાની જનતાએ જીતાડીને સંસદમાં મોકલ્યા હતા. આ ઉપરાંત સિરિયલમાં હનુમાનું પાત્ર ભજવનાર લોકપ્રિય અભિનેતા દારાસિંહને પણ ભારતીય જનતા પાર્ટીએ જ 1998માં રાજ્ય સભાના સદસ્ય બનાવ્યા હતા.
રામાયણના જાણીતા કલાકારો એક કે બીજી રીતે રાજકારણ સાથે જોડાયેલા રહ્યાં છે. પરંતુ રામનું પાત્ર ભજવનાર મેરઠના અરુણ ગોવિલે અત્યાર સુધી પોતાને રાજકારણથી દૂર રાખ્યા હતા. જોગાનુંજોગ આ વર્ષે ભગવાન રામના અભિષેક સાથે અરૂણ ગોવિલનો રાજકીય વનવાસ પણ સમાપ્ત થયો. ભાજપ દ્વારા તેમને તેમનાં જ જન્મસ્થળથી લોકસભામાં જવાની તક આપવામાં આવી છે.