અમેરિકા ભારત પાસેથી પાકિસ્તાન-ચીન કરતાં ઓછો ટેરિફ વસૂલશે

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ અને ટેરિફ અંગેની ચર્ચા સફળ રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મિડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા  એક વેપાર કરાર પર સહમત થયા છે, જેના હેઠળ વોશિંગ્ટન ભારતીય ઉત્પાદનો પરનો ટેરિફ હાલના 50 ટકા પરથી ઘટાડીને 18 ટકા કરશે. નવા ટેરિફ નિયમો ભારતની કૂટનીતિક સફળતાના સંકેત પણ આપે છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ ડીલની જાહેરાત સાથે એ પણ કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરશે અને વેપાર અવરોધો ઘટાડશે. આ મુદ્દે ટ્રમ્પે ફોન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત પણ કરી હતી. ટ્રમ્પે જણાવ્યું છે કે હવે ભારત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે.

ટ્રમ્પની સરકાર દ્વારા ખૂબ ઓછો ટેરિફ લગાવવામાં આવ્યો છે. ચીન, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોની તુલનામાં અમેરિકા ભારત પાસેથી સૌથી ઓછો ટેરિફ વસૂલશે.

ચીન, પાકિસ્તાન કરતાં વધુ ટેરિફ વસૂલે છે અમેરિકા

અમેરિકા ચીન પર 34 ટકા ટેરિફ લગાવે છે. બીજી તરફ બાંગ્લાદેશ પર 20 ટકા, પાકિસ્તાન પર 19 ટકા અને શ્રીલંકા પર 20 ટકા ટેરિફ લાગુ કર્યો છે. અમેરિકા દ્વારા ભારત કરતાં વધુ ટેરિફ ચૂકવતા દેશોની યાદી નીચે આપવામાં આવી છે.

પાકિસ્તાન પર 19 ટકા ટેરિફ

દક્ષિણ એશિયાઈ દેશો બાંગ્લાદેશ અને વિયેતનામ પર 20 ટકા ટેરિફ છે, જ્યારે મલેશિયા, કમ્બોડિયા, થાઈલેન્ડ અને પાકિસ્તાનના ઉત્પાદનો પર 19 ટકા ટેરિફ વસૂલવામાં આવે છે. આ દેશોની સરખામણીએ ભારત પર લાગતો ટેરિફ ઓછો છે, જે દર્શાવે છે કે અમેરિકા દક્ષિણ એશિયામાં દિલ્હીને પ્રાથમિકતા આપી રહ્યું છે.

મજબૂત આર્થિક સંબંધોનો માર્ગ ખૂલ્યો – શાહ

ભારત-અમેરિકા વેપાર કરારની પ્રશંસા કરતાં ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે બન્ને દેશોના સંબંધોમાં આ એક મોટો દિવસ છે, કારણ કે ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. આથી મજબૂત આર્થિક સંબંધો અને પરસ્પર વિકાસનો માર્ગ ખૂલ્યો છે.