નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હી-NCRમાં હવા પ્રદૂષણને મુદ્દે ફરી એક વાર સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ઉઠાવવામાં આવેલા પગલાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયાં છે. કોર્ટે કહ્યું હતું કે કેમ ન દિલ્હી બોર્ડર પર MCD ટોલને થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવે, કારણ કે ટોલ પર વાહનોની લાંબી કતારો પ્રદૂષણનું મોટું કારણ બને છે.
સુપ્રીમ કોર્ટે નર્સરીથી ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાઓ બંધ રાખવાના દિલ્હી સરકારના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યોં હતો. કોર્ટે જણાવ્યું હતું કે દિલ્હી-NCRમાં હવા પ્રદૂષણની સમસ્યાનો વ્યવહારુ અને અસરકારક ઉકેલ શોધવો જરૂરી છે.
કોર્ટે દિલ્હી સરકારને પ્રતિબંધોને કારણે કામ વિના બેઠેલા મજૂરોનું વેરિફિકેશન કરીને તેમના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવાની સૂચના આપી. એ સાથે જ કોર્ટે મજૂરોને વિકલ્પરૂપે અન્ય કામ આપવાની સંભાવના પર વિચાર કરવા પણ નિર્દેશ આપ્યા હતા. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ મામલો સાંભળ્યો. એની સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતની બેન્ચે વધતા પ્રદૂષણને રોકવા માટે કેટલાંક મહત્વનાં સૂચનો આપ્યાં હતાં.
CJI સૂર્યકાંતે જણાવ્યું કે હવા પ્રદૂષણનું સંકટ દર વર્ષે પુનરાવર્તિત થાય છે. વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચ (CAQM)એ આ મુદ્દે કડક રીતે વિચાર કરવો પડશે. એ સાથે જ MCDને કહ્યું કે તે દિલ્હી બોર્ડર પર ટ્રાફિક ઘટાડવા માટે નવ ટોલ પ્લાઝાને શિફ્ટ કરવા અથવા થોડા સમય માટે બંધ કરવા અંગે એક અઠવાડિયામાં નિર્ણય લે.સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હીમાં વધતા પ્રદૂષણનાં કારણો પણ રજૂ કરવામાં આવ્યા. તેમાં દિલ્હી-ગુરુગ્રામ MCD ટોલ પ્લાઝા પર લાગતા લાંબા ટ્રાફિક જામનો પણ સમાવેશ થાય છે. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે આ ટોલ પ્લાઝા પર દરરોજ કલાકો સુધી જામ રહે છે. રસ્તા પર ધીમે-ધીમે ચાલતી કાર, મોટરસાયકલ અને અન્ય વાહનોમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણ ફેલાવે છે. જો ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી MCD ટોલ ન લેવામાં આવે તો પ્રદૂષણમાંથી મોટી રાહત મળી શકે છે.




