ગાંધીનગર: ગુજરાતમાં ૨૦૨૨-૨૩ પછીના છેલ્લાં ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ૨૮૪૩% નો જંગી વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૨,૨૮,૫૦૪ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ માહિતી નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈકે ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી હતી.
પરિમલ નથવાણીએ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો અને યોજનાની શરૂઆતથી અત્યાર સુધીના લાભાર્થીઓની કુલ સંખ્યા વિશે જાણકારી માંગી હતી. જેનો જવાબ આપતા મંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું ઘટક-A હેઠળ, ખેડૂતો સૌર ઉર્જા અપનાવવા માટે સક્ષમ બને છે અને ‘અન્નદાતા’ની સાથે ‘ઉર્જાદાતા’ પણ બને છે તથા તેમની આવકમાં વધારો કરે છે. ખેડૂતો તેમની જમીન સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ભાડે આપી શકે છે અને વર્ષે હેક્ટર દીઠ રૂ. ૮૦,૦૦૦ સુધીની કમાણી કરી શકે છે. ઘટક-A હેઠળ કાર્યરત થયેલા પ્લાન્ટ્સ માટે સરેરાશ મધ્યમ આવક પ્રતિ મેગાવોટ મહિને રૂ. ૪.૫ લાખ છે.
વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ઘટક-B હેઠળ, હાલના ડીઝલ પંપને સોલાર પંપથી બદલવામાં આવે છે. પ્રતિ દિવસ ૪.૬ લિટર (૫ હોર્સપાવરના પંપ માટે)ના વપરાશ અને ડીઝલના આશરે રૂ. ૮૭/લિટરના વર્તમાન ભાવને ધ્યાનમાં લેતાં, ખેડૂત એક વર્ષ કરતા ઓછા સમયમાં ખર્ચ વસૂલ કરી શકે છે. જેના પરિણામે ખેડૂતોને ડીઝલ ખર્ચમાં વાર્ષિક ઓછામાં ઓછા રૂ. ૬૦,૦૦૦ની બચત થાય છે. મંત્રીએ જણાવ્યું હતું કે, ઘટક-C હેઠળ ખેડૂતો સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે જમીન ભાડે આપીને એકરે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦ કમાઈ શકે છે.
PM-KUSUM એ માંગ-આધારિત (ડિમાન્ડ ડ્રિવન) યોજના છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પ્રાપ્ત થયેલી માંગ અને દર્શાવેલી પ્રગતિના આધારે ક્ષમતાઓ ફાળવવામાં આવે છે. PM-KUSUM યોજના હેઠળ ભંડોળ પ્રાપ્ત થયેલી માંગ, SIAs (સ્ટેટ ઇમ્પ્લીમેન્ટેશન એજન્સીઝ) દ્વારા અહેવાલ કરાયેલી પ્રગતિ અને યોજનાની માર્ગદર્શિકાની જોગવાઈઓ મુજબ ફાળવવામાં આવે છે.


