નવી દિલ્હીઃ અમદાવાદમાં 12 જૂને થયેલા એર ઈન્ડિયા પ્લેન ક્રેશ મામલે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં આવેલી પ્રાથમિક રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરી છે અને DGCA, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. આ મામલાની પ્રાથમિક રિપોર્ટમાં પાયલટને અકસ્માત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. આ પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આવી ટિપ્પણી કરવી દુર્ભાગ્યપૂર્ણ છે.
આ કેસ સાથે જોડાયેલી જનહિત યાચિકામાં આ માગ કરવામાં આવી છે કે તપાસ સ્વતંત્ર હોવી જોઈએ અને તાત્કાલિક પૂર્ણ થવી જોઈએ. યાચિકાકર્તાની તરફથી એડવોક્ટ પ્રશાંત ભૂષણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતને 100 દિવસથી વધુ થઈ ગયા છે, છતાં હજુ સુધી માત્ર પ્રાથમિક રિપોર્ટ જ આવ્યો રિપોર્ટમાં ન તો કારણ સ્પષ્ટ છે, ન તો મુસાફરોની સુરક્ષાને લગતાં કોઈ સૂચનો છે.
તેમણે જણાવ્યું હતું કે તપાસ ટીમમાં પાંચ સભ્યો છે, જેમાંથી ત્રણ DGCAના અધિકારીઓ છે, જ્યારે DGCAની ભૂમિકા પોતે જ તપાસના દાયરામાં છે. આથી હિતસંઘર્ષ (Conflict of Interest) થાય છે.
જસ્ટિસ કાંતે કહ્યું કે નિષ્પક્ષ તપાસ જરૂરી છે, પરંતુ આટલી બધી બાબતો પબ્લિક ડોમેનમાં કેમ હોવી જોઈએ? એના પર ભૂષણે જણાવ્યું કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) દરેક ભૂલ રેકોર્ડ કરે છે. આ માહિતી છુપાવવી યોગ્ય નથી. જસ્ટિસ કાંતે કહ્યું હતું કે હમણાં માહિતી જાહેર કરવી યોગ્ય નહીં હોય. આ પર ભૂષણે જણાવ્યું કે પીડિત પરિવાર અને પાયલટ્સ નારાજ છે, કારણ કે રિપોર્ટમાં એક જ લાઈનથી પાયલટને દોષી બતાવી દેવામાં આવ્યોયો છે. એના પર જસ્ટિસ કાંતે કહ્યું કે એ લાઈન બહુ દુર્ભાગ્યપૂર્ણ હતી.
શું છે એર ઈન્ડિયા પ્લેન ક્રેશ મામલો?
અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. 12 જૂન 2025એ આ ભયાનક ઘટના બની હતી. આ ભારતના સૌથી ઘાતક વિમાન અકસ્માતોમાંની એક છે, જેમાં 260થી વધુ લોકોનાં મોત થયાં હતા. આ કેસની તપાસમાં જે પ્રાથમિક રિપોર્ટ સામે આવી હતી તેમાં પાયલટને જવાબદાર ઠેરવાયો હતો.
