અમદાવાદઃ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરમાં સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા 10મા ધોરણના વિદ્યાર્થી પર પાંચથી સાત વિદ્યાર્થીઓએ છરીથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો. આ ઘટના સ્કૂલની રજા પછી ખોખરા પોલીસ મથક વિસ્તારમાં બની હતી. ઘાયલ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું છે.
ખોખરા પોલીસના જણાવ્યા મુજબ હુમલો સ્કૂલના જ કેટલાક વિદ્યાર્થીઓએ મળી કર્યો હતો. હુમલામાં વિદ્યાર્થીના પેટમાં ગંભીર ઇજા પહોંચી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાનું કારણ થોડા દિવસો પહેલાં સ્કૂલમાં થયેલી ચણભણ છે. જૂની અદાવતને લઈને વિદ્યાર્થીઓએ મળી આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ આસપાસના CCTV ફુટેજ જપ્ત કરી તપાસ શરૂ કરી છે.
એ સાથે જ પોલીસે હુમલામાં સામેલ વિદ્યાર્થીઓની અટકાયત કરી લીધી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસેથી પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થશે. આ ઘટના સ્થાનિક વાલીઓ અને સમાજમાં ભારે ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આખરે સ્કૂલ પ્રાંગણમાં અને તેની બહાર વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને બેદરકારી કેમ રાખવામાં આવી રહી છે.
જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે આ ઘટનાની માહિતી સ્કૂલ સંચાલન દ્વારા શિક્ષણ વિભાગને આપવામાં આવી નહોતી, પરંતુ ઘટના અંગે જાણ થતાં જ સ્કૂલ સંચાલનને બોલાવવામાં આવ્યું છે અને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે આવી ઘટનાઓની માહિતી તરત જ વિભાગને આપવામાં આવે.
આક્રોશિત વાલીઓએ સ્કૂલમાં તોડફોડ અને મારામારી કરી હતી. સવારથી જ સ્કૂલ બહાર વાલીઓનો આક્રમક વિરોધ ચાલી રહ્યો છે. વાલીઓના હોબાળાને પગલે સંચાલકોએ સ્કૂલમાં રજા જાહેર કરી હતી.
