પડોશી દેશમાંથી 2700 કેદીઓ જેલમાંથી ફરાર

ઢાકા: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાંથી 2700થી વધુ કેદીઓ જેલમાંથી ભાગી ગયા. એમાંથી લગભગ 700 કેદીઓ અનેક મહિના વીતી જવા છતાં હજુ સુધી પરત ફર્યા નથી. જેને કારણે જેલ તંત્રની ઊંઘ ઊડી ગઈ છે. ભાગી ગયેલા કેદીઓમાં ખૂનખાર આતંકવાદી અને શાતિર ગુનેગારો પણ સામેલ છે.

કેમ ભાગ્યા કેદીઓ

દેશના ટોચના જેલ અધિકારીએ જણાવ્યું હતું કે જુલાઈ, 2024માં તત્કાલીન વડા પ્રધાન શેખ હસીના સામે શરૂ થયેલા વ્યાપક વિરોધ અને હિંસા દરમિયાન અંદાજે 2700 કેદીઓ વિવિધ જેલોમાંથી ભાગી ગયા હતા, જેમાંથી આશરે 700 કેદીઓ હજી સુધી પકડાયા નથી. આ માહિતી બાંગ્લાદેશના જેલ મહાનિરીક્ષક (IG પ્રિઝન) બ્રિગેડિયર જનરલ સૈયદ મુતાહર હુસૈને મંગળવારે આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે ફરાર કેદીઓમાંના ઘણા અત્યંત જોખમી માનવામાં આવે છે. એમાં એવા ગુનેગારો પણ સામેલ છે, જેમને કોર્ટે મોતની સજા ફટકારી હતી. એ ઉપરાંત ઘણા ઇસ્લામી આતંકવાદીઓ પણ ફરાર કેદીઓમાં સામેલ છે. તેમણે કહ્યું હતું કે આ 700થી વધુ ફરાર કેદીઓમાં ઓછામાં ઓછા નવ ઇસ્લામી આતંકવાદીઓ છે. એ સાથે જ 69 એવા ગુનેગારો છે, જેમને ફાંસીની સજા કે આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી.

ગૃહ મંત્રાલયના સલાહકાર, લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) જહાંગીર આલમ ચૌધરીએ પણ આ જ આંકડાની પુષ્ટિ કરી હતી કે સેંકડો કેદીઓ હજુ સુધી જેલની બહાર છે અને તેમને પકડવાના પ્રયાસો ચાલુ છે. જોકે જેલ વિભાગનો દાવો છે કે ભાગેલા કેદીઓમાંના ઘણા એવા હતા જેમની સજા લગભગ પૂરી થવા આવી હતી અને તેઓ સ્વયં પરત ફર્યા, કારણ કે ભાગવાની ઘટના કારણે પોતાની સજા વધુ ન વધે એમ તેઓ ઇચ્છતા હતા.