CM સુવેન્દુની બેઠકમાં TMCના 18 વિધાનસભ્યો પહોંચ્યા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ TMCમાં તૂટનો ખતરો વધ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ચૂંટણીમાં પરાજય પછીથી પાર્ટીમાં અભિષેક બેનર્જી સામે અસંતોષ વધી રહ્યો છે. સોમવારે મમતા બેનર્જીએ જે બે ધારાસભ્યોને પાર્ટીમાંથી બહાર કર્યા હતા, હવે તેમના નેતૃત્વમાં નવી TMC બનાવવાની અટકળો ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે TMCમાંથી નિષ્કાસિત થયેલા બે ધારાસભ્યોએ પોતાને “અસલી TMC” ગણાવી છે અને તેમના સાથે 59થી વધુ ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે. એ સાથે જ તેઓ વિપક્ષના નેતા પદ અને પાર્ટીના ચૂંટણી ચિહ્ન પર પણ દાવેદારી કરી રહ્યા છે. બીજી તરફ મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બુધવારે હાવડા અને દક્ષિણ 24 પરગણા જિલ્લાઓ માટે વહીવટી બેઠક બોલાવી હતી, જેમાં તૃણમૂલના 18 ધારાસભ્યો હાજર રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

CMની બેઠકમાં કયા ધારાસભ્યો હાજર રહ્યા?

મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારી દ્વારા બોલાવવામાં આવેલી કોલકાતા, હાવડા અને દક્ષિણ 24 પરગણાની વહીવટી બેઠકમાં હાજર રહેલા TMC ધારાસભ્યોની યાદી સામે આવી છે:

  1. જાવેદ ખાન
  2. ફિરહાદ હકીમ
  3. નયના દાસ બેનર્જી
  4. કુણાલ ઘોષ
  5. ઋતબ્રત બેનર્જી
  6. સંદીપન સાહા
  7. અશોક દેવ
  8. અરુણાભા સેન
  9. સમીર પાંજા
  10. પ્રિયા પાલ
  11. ગુલશન મલ્લિક
  12. તાપસ માઇતી
  13. નીલિમા મિસ્ત્રી
  14. અબ્દુલ ખાલેક મોલ્લાહ
  15. બહારુલ ઇસ્લામ
  16. પરેશરામ દાસ
  17. જયદેવ હાલદાર
  18. સમીર જાના

મમતા બેનર્જીએ લીધો મોટો નિર્ણય

બીજી તરફ, TMC પ્રમુખ મમતા બેનર્જીએ પણ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે પાર્ટીની તમામ સમિતિઓ અને સંલગ્ન સંગઠનોને ભંગ કરી દીધાં છે. પાર્ટીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ નક્કી કરવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની તમામ સમિતિઓ અને તેનાં તમામ સહયોગી સંગઠનોને તાત્કાલિક અસરથી ભંગ કરવામાં આવે છે. પાર્ટી દરેક સ્તરે આત્મમંથન, કામગીરીની સમીક્ષા અને સંગઠનાત્મક મૂલ્યાંકન કરશે.

તૂટની અટકળો કેમ વધી રહી છે?

બીજી તરફ, પાર્ટીના પૂર્વ નેતા રિજુ દત્તાએ દાવો કર્યો છે કે બે-તૃતીયાંશથી વધુ ધારાસભ્યોએ પાર્ટીથી અલગ થવાનો નિર્ણય કરી લીધો છે.