નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ પાકિસ્તાન અને POKમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાંઓને નિશાન બનાવીને ચોક્કસ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. હવે સરકાર તરફથી આ ઓપરેશનની સફળતા બાદ ગુરુવારે સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વિપક્ષના અનેક મહત્ત્વના નેતાઓએ હાજરી આપી હતી.
આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી અને તે હાલ ચાલુ જ છે. તેમણે જણાવ્યું હતું કે સરહદ પર પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને તેથી ઓપરેશનની વધુ વિગતો હમણાં શેર કરી શકશે નહીં. તાજેતરમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો પાકિસ્તાન હુમલો કરશે તો ભારત તેને આકરો જવાબ આપશે. આ ઓપરેશનની ટેક્નિકલ વિગતો હાલ જાહેર કરી શકાય નહીં. આ બેઠક દરમિયાન વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીની ગેરહાજરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને રાફેલ વિમાન સંબંધિત મીડિયા રિપોર્ટ્સ પર સરકાર દ્વારા કોઈ નિવેદન ન આપવાને લઇને પણ ચર્ચા કરી.
આ બેઠકમાં સરકાર તરફથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ભાગ લીધો હતો. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહ્યા. તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય અને દ્રવિડ મુન્નેત્ર કઝગમના ટી.આર. બાલુ પણ હાજર રહ્યા.
Defence Minister Rajnath Singh tells all-party meeting that at least 100 terrorists killed in Indian strikes under Op Sindoor: Sources. pic.twitter.com/xgr0ABNs62
— Press Trust of India (@PTI_News) May 8, 2025
અન્ય વિપક્ષી નેતાઓમાં સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, શિવસેના (UBT)ના સંજય રાઉત, NCP (શરદ પવાર જૂથ)નાં સુપ્રિયા સુલે, બીજેડીના સસ્મિત પાત્રા અને CPMના જોન બ્રિટાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત JD (યુ)ના સંજય ઝા, LJP (રામવિલાસ)ના ચિરાગ પાસવાન અને AIMIMના અસદુદ્દીન ઓવૈસી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સર્વપક્ષી બેઠકમાં તમામ પક્ષોએ ભારતીય સેના અને કેન્દ્ર સરકારની કાર્યવાહીનાં વખાણ કર્યાં હતાં. તેમ જ આ ઓપરેશન સિંદૂરમાં તેમણે સરકારને સમર્થન આપ્યું હતું. આ બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે સંકટના સમયે અમે સરકારની સાથે છીએ.
