મહારાષ્ટ્રના પર્યટન અને મુંબઈના પાલક પ્રધાન આદિત્ય ઠાકરેએ 9 ફેબ્રુઆરી, બુધવારે મુંબઈના દાદર (વેસ્ટ) ઉપનગરમાં દાદર ચોપાટી ખાતે ‘માતા રમાબાઈ આંબેડકર સ્મૃતિ વ્યૂઈંગ ડેક’નું લોકાર્પણ કર્યું હતું. વરસાદી-પૂરનાં પાણીના સમુદ્રમાં નિકાલની આ જગ્યાને હવે મુંબઈ મહાનગરપાલિકાએ સુંદર વ્યૂઈંગ ડેકમાં પરિવર્તિત કરી છે. અહીં ઊભાં રહીને નાગરિકો અરબી સમુદ્ર તથા બાન્દ્રા-વરલી સી લિન્કનાં દર્શન કરી શકે છે.
આ વ્યૂઈંગ ડેક 10,000 સ્ક્વેર ફીટ એરિયાનો એલિવેટેડ પ્લેટફોર્મ છે, જે દાદર ચોપાટી ખાતે સ્ટોર્મવોટર ડ્રેન આઉટફોલની ઉપર બાંધવામાં આવ્યો છે. આ ડેક દરિયાની સપાટીથી 10 ફૂટ ઊંચે બાંધવામાં આવ્યો છે. આનું બાંધકામ 10 મહિનામાં પૂરું કરવામાં આવ્યું છે. તેમાં 26 થાંભલા છે અને ઊર્જાની બચતવાળી LED લાઈટ્સ મૂકવામાં આવી છે.
આ ડેક પર એક સાથે 300 જેટલા લોકો ઊભીને સમુદ્રનાં દર્શન કરી શકે છે. ડેક પર બેસવા માટે 26 બેન્ચ પણ મૂકવામાં આવી છે. તે ઉપરાંત જુદા જુદા 130 વૃક્ષ પણ ઉગાડવામાં આવ્યા છે. એને કારણે ડેક ખૂબ સુંદર લાગે છે. આગળ જતાં આ વ્યૂઈંગ ડેક મુંબઈગરાં તેમજ પર્યટકો માટે જાણીતું સ્થળ બની શકે છે.
આદિત્ય ઠાકરેએ મુંબઈમાં SWD આઉટફોલવાળા અન્ય સ્થળોએ પણ આ પ્રકારના વ્યૂઈંગ ડેક બાંધવાનો મહાપાલિકા વહીવટીતંત્રને આદેશ આપ્યો છે.
(તસવીર સૌજન્યઃ @AUThackeray)