શ્રીનગરનું ટ્યૂલિપ ગાર્ડન મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકાયું…

ટ્યૂલિપ ફૂલોનું એશિયા ખંડમાં સૌથી મોટું ગાર્ડન જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના શ્રીનગર શહેરમાં આવેલું છે. વિખ્યાત એવા દાલ સરોવરના કાંઠે આવેલું ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન 23 માર્ચ, બુધવારથી મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

આ ગાર્ડનમાં 64 વેરાયટીનાં અને રંગબેરંગી 15 લાખ ટ્યૂલિપ ફૂલ ઉગાડવામાં આવ્યા છે. ગાર્ડન 30 હેક્ટર (74 એકર) જમીન પર પ્રસરાયેલું છે. જમ્મુ-કશ્મીરના મુખ્ય સચિવ ડો. અરૂણકુમાર મહેતાએ ગાર્ડનનું ઉદઘાટન કર્યું હતું.

ગાર્ડનમાં પર્યટકો અને મુલાકાતીઓ હજારોની સંખ્યામાં રંગબેરંગી ટ્યૂલિફ ફૂલો નિહાળવાનો આનંદ માણતાં અને ફોટો પાડતા, સેલ્ફી લેતા જોવા મળ્યાં હતાં. ફૂલોને નિહાળીને લોકો કહેતા હતા ‘ધરતી પરનું સ્વર્ગ તો આ જ છે.’ દર વર્ષે આ ગાર્ડનને કારણે કશ્મીરમાં પર્યટકોની સંખ્યા વધી જાય છે. ગયા વર્ષે બે લાખ જેટલા લોકોએ આ ગાર્ડનની મુલાકાત લીધી હતી. 1981માં આવેલી અમિતાભ બચ્ચન, રેખા અભિનીત હિન્દી ફિલ્મ ‘સિલસિલા’નું શૂટિંગ આ જ ગાર્ડનમાં કરવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્યઃ @OfficeOfLGJandK)