આઈસીસી દ્વારા વર્લ્ડ કપ-2023ના કાર્યક્રમનું એલાન

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) યોજિત વર્લ્ડ કપ-2023 આ વર્ષે ભારતમાં યોજાનાર છે. સ્પર્ધા પાંચમી ઓક્ટોબરથી શરૂ થશે અને 19 નવેમ્બરે ફાઈનલ મેચ સાથે એનું સમાપન થશે. સ્પર્ધા કુલ 46 દિવસ સુધી ચાલશે અને મેચો ભારતમાં 10 સ્થળ/સ્ટેડિયમમાં રમાશે. સ્પર્ધાના કાર્યક્રમની આઈસીસી અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા 27 જૂન, મંગળવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ જાહેરાત કરવામાં આવી હતી. એ પ્રસંગે વિજેતા ટ્રોફી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ (તસવીરમાં ડાબે), આઈસીસી ચીફ એક્ઝિક્યૂટિવ જ્યોફ અલાર્ડિસ (તસવીરમાં જમણે), ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દર સેહવાગ અને શ્રીલંકાના ભૂતપૂર્વ ઓફ્ફ સ્પિનર મુથૈયા મુરલીધરન પણ ઉપસ્થિત રહ્યા હતા.

વર્લ્ડ કપ ટ્રોફીને સ્પેસ એજન્સીની મદદથી અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવી હતી. હવે આ ટ્રોફી વિશ્વ પ્રવાસે જશે. 27 જૂનથી આ ટ્રોફી 18 દેશોની સફર કરીને ભારત પાછી ફરશે.

સ્પર્ધામાં કુલ દસ ટીમ રમશેઃ ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન. બે ટીમનું નામ નક્કી થવાનું હજી બાકી છે. 10 ટીમ વચ્ચે રાઉન્ડ રોબિન લીગમાં 45 મેચો રમાશે અને ત્રણ મેચ નોકઆઉટ હશે. લીગ તબક્કામાં દરેક ટીમને પ્રત્યેક ટીમ સામે રમવાનો મોકો મળશે. ત્યારબાદ ટોચની ચાર ટીમ સેમી ફાઈનલમાં જશે. સેમી ફાઈનલ જીતનાર બે ટીમ વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ફાઈનલ મેચમાં મુકાબલો થશે.

વિરેન્દર સેહવાગ અને જય શાહ

વિરેન્દર સેહવાગ, મુથૈયા મુરલીધરન

સેહવાગના મતે આ ચાર ટીમ વર્લ્ડ કપ-2023ની સેમી ફાઈનલમાં જશેઃ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત અને પાકિસ્તાન. વિરેન્દર સેહવાગ અને મુથૈયા મુરલીધરન