મોદી સરકાર છ મહિનામાં પડી જશેઃ મમતાનો દાવો

નવી દિલ્હીઃ વિરોધ પક્ષોની બેઠક પછી TMCનાં વડાં અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી ફુલ ફોર્મમાં છે. તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્રની મોદી સરકાર છ મહિનામાં પડી જશે. એટલે કે કેન્દ્રની ભાજપ સરકાર છ મહિના જ ચાલશે.આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં દેશમાં લોકસભા ચૂંટણી થશે. મમતાએ પંચાયત ચૂંટણી માટે જલપાઇગુડીમાં એક સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે BSFએ નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ, કેમ કે થઈ શકે કે કાલે ભાજપ સત્તામાં ના રહે.

તેમણે દાવો કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણી 2024માં ફેબ્રુઆરી-માર્ચમાં થશે. ભાજપ સરકારનો કાર્યકાળ માત્ર છ મહિનાનો જ છે. તેમણે કહ્યું હતું કે હું બધા BSFના અધિકારીઓ પર આરોપ નથી લગાવી રહી. તેઓ અમારી સરહદની સુરક્ષા કરે છે, પણ એ નિષ્પક્ષતાથી કામ નથી કરી રહ્યા, કેમ કે બની શકે કે ભાજપ સત્તામાં ના રહે, પણ તેમણે તેમનું કામ કરતા રહેવું જોઈએ.

તેમણે BSF પર સરહદી ક્ષેત્રોમાં ભાજપના ઇશારે મતદાતાઓને ડરાવવા-ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો, જેના પર કેન્દ્રીય દળે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા એને સત્યથી વેગળું બતાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં આઠ જુલાઈએ પંચાયત ચૂંટણી માટે મતદાન થશે. મમતા સરકારે ચૂંટણી સભામાં સરહદી ક્ષેત્રોમાં કથિત રૂપે BSFના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનનોને રૂ. બે-બે લાખનું વળતર અને નોકરી આપવાની ઘોષણા કરી હતી.