સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ  રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.  હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતા છે.. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની આગાહી વ્યક્ત કરી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પાંચ ઇંચ, જ્યારે 48 કલાકમાં ઉમરગામમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. અહીંના 20 તાલુકામાં બેથી સાડાચાર ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચોમાસાએ જમાવટ શરૂ કરી છે. સુરત, વડોદરા અને અમદાવાદમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વડોદરામાં ધોધમાર વરસાદથી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં.

જે ડાંગ જિલ્લાના તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. જેમા આહવા, વઘઈ અને સાપુતારામાં વાતાવરણ આહલાદક બન્યું છે. વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર મોટા ખાડા પડ્યા છે. નેશનલ હાઈવે 48 ધોવાયો છે. પહેલા જ વરસાદમાં હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે. ખાડાગ્રસ્ત હાઇવે પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. હાઇવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો જેને કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા.

અમરેલી જિલ્લામાં ધારી પંથકમાં વરસાદી મહેર થઈ છે. ધારીના ડાંગાવદર, ખીચા, ખોખરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ગીરનાં અન્ય ગામડાઓમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં ચોમાસું સક્રિય થઇ જતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.