એલેસ્ટર કૂકની યાદગાર નિવૃત્તિ…

ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન અને ઓપનર એલેસ્ટર કૂક 10 સપ્ટેંબર, સોમવારે લંડનના ઓવલ મેદાન પર તેની કારકિર્દીની આખરી ટેસ્ટ ઈનિંગ્ઝ રમી ગયો અને એમાં એણે ભારતના બોલરોની ધુલાઈ કરીને 147 રન કર્યા. કુલ 161 ટેસ્ટ રમનાર કૂક એની કારકિર્દીની પહેલી અને આખરી ટેસ્ટ ભારત સામે રમ્યો છે. પહેલી ટેસ્ટ એ 2006માં નાગપુરમાં અને છેલ્લી 2018માં લંડનમાં રમ્યો. એ પહેલી અને આખરી, એમ બંને ટેસ્ટમાં સદી ફટકારવાની સિદ્ધિ ધરાવે છે. 2006ની નાગપુર ટેસ્ટમાં એણે 60 અને 104* રન કર્યા હતા જ્યારે 2018ની ઓવલ ટેસ્ટમાં એણે 71 અને 147 રન કર્યા. એણે આખરી દાવમાં 286 બોલનો સામનો કર્યો હતો જેમાં 14 ચોગ્ગાનો સમાવેશ થાય છે. કારકિર્દીની પહેલી જ ટેસ્ટ રમનાર હનુમા વિહારીની બોલિંગમાં કૂક વિકેટકીપર પંત દ્વારા કેચઆઉટ થઈને પેવિલિયનમાં પાછો ફરતો હતો ત્યારે કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતના તમામ ખેલાડીઓએ એની સાથે હાથ મિલાવીને એને અભિનંદન આપ્યા હતા અને શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી.