મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 16 માર્ચ, મંગળવારે મુંબઈમાં પર્યાવરણપૂરક ઈલેક્ટ્રિક વિક્ટોરિયા બગી (અગાઉની ઘોડાગાડી)નું અનાવરણ કર્યું હતું. આમ, મુંબઈના હેરિટેજ સ્થળો બતાવવા માટે રસ્તાઓ પર વિક્ટોરિયા બગી ફરીથી દોડતી જોવા મળશે, પરંતુ નવા સ્વરૂપમાં – ઈલેક્ટ્રિક બેટરી ઉપર. પ્રાણીઓ પર અત્યાચાર રોકવાના ઉદ્દેશ્ય સાથે મુંબઈ મહાનગરપાલિકાએ ઘોડાગાડી બંધ કરાવીને હવે લિથિયમ બેટરી પર ચાલતી વિક્ટોરિયા બગીઓ શરૂ કરાવી છે. અંગ્રેજોના શાસન વખતે રાણીને સફર કરાવવા માટે ઘોડા જોડેલી વિક્ટોરિયા બગી દોડાવવામાં આવતી હતી. એવી ઘોડાગાડીઓ બાદમાં મુંબઈના નાગરિકોની સેવા માટે ચાલુ કરાઈ હતી.
CM ઠાકરેએ નવી બગી સેવા માટે શુભેચ્છા વ્યક્ત કરી છે. બગીની ચાવી યુસૂફ મુસા ચોરડવાલા, ઈરફાન દેસાઈ, અઝીઝ ખાન, ઈસ્માઈલ ચોરડવાલાને સુપરત કરી હતી. ઘોડાગાડી બંધ કરી દેવાતા આશરે 250 જણ બેરોજગાર થઈ ગયા છે. એમને આ બગીઓ ચલાવવામાં જોડી દેવાશે. એક વાર બેટરી ચાર્જ કરાયા બાદ બગી 70-80 કિ.મી. સુધી પ્રવાસ કરી શકે છે.
આ બગીઓ ચલાવવાની પરવાનગી ઉબો રાઈડ્સ કંપનીને આપવામાં આવી છે. 40 ઈલેક્ટ્રિક બગીઓને તબક્કાવાર મુંબઈના રસ્તાઓ પર ઉતારવામાં આવશે. પહેલા તબક્કામાં 12 બગી દક્ષિણ મુંબઈમાં શરૂ કરાશે. એમાંની છ બગી ગેટવે ઓફ ઈન્ડિયા પાસેની તાજ પેલેસ હોટેલની સામેથી શરૂ કરાઈ છે. બીજી છ બગી નરીમન પોઈન્ટથી શરૂ કરાશે. આ બગીઓમાં સાંજે 4 વાગ્યાથી મધરાત બાદ 2 વાગ્યા સુધી સફર કરી શકાશે. દક્ષિણ મુંબઈ બાદ જુહૂ ચોપાટી, બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ, ઠાણે તળાવ વગેરે સ્થળોએ આ વિદ્યુત બગીઓ શરૂ કરાશે.