બેન્ક કર્મચારીઓ બેમુદત હડતાળ પર જશે?

જાહેર ક્ષેત્રની બેન્કો અને વીમા કંપનીઓનું ખાનગીકરણ કરવાના કેન્દ્ર સરકારના સૂચિત નિર્ણય સામેના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેન્કોના અધિકારીઓ અને કર્મચારીઓએ 15 માર્ચ, સોમવારે દેશવ્યાપી હડતાળ પાડી. એમની હડતાળ બે દિવસની છે અને 16 માર્ચના મંગળવારે પણ ચાલુ રહેશે. હડતાળને કારણે દેશભરમાં સરકારી બેન્કોમાં કામકાજને માઠી અસર પહોંચી હતી. હડતાળનું એલાન યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ દ્વારા કરવામાં આવ્યું છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર હડતાળના પહેલા દિવસને સફળ બનાવવા બદલ કર્મચારીઓ-અધિકારીઓનો આભાર માન્યો છે અને સાથોસાથ એવો ઈશારો કર્યો છે કે સરકારની નીતિના વિરોધમાં ટૂંક સમયમાં જ કર્મચારીઓ-અધિકારીઓને બેમુદત હડતાળની હાકલ કરવામાં આવશે.

હડતાળીયા કર્મચારીઓ-અધિકારીઓએ દેશમાં ઠેરઠેર મોરચા કાઢ્યા હતા અને વિરોધ-દેખાવો કર્યા હતા.