GalleryCulture ‘સાન્તા ક્લૉસ’ મુંબઈમાં વોખાર્ટ હોસ્પિટલની મુલાકાતે… December 22, 2021 ખ્રિસ્તીઓનો વાર્ષિક તહેવાર નાતાલ આવી રહ્યો છે અને તેના વિવિધ પ્રકારના ઉજવણી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કોરોના રોગચાળાએ સર્જેલા અભૂતપૂર્વ સંકટ સમયમાં લોકોમાં આનંદનો પ્રસાર કરવા માટે અને વંચિત વર્ગોનાં બાળકોને હાથ ધોતા રહેવા સહિતની સાવચેતીઓ રાખવાની જરૂરિયાત વિશે જાગ્રત કરવા માટે મુંબઈ સેન્ટ્રલ ઉપનગરની વોખાર્ટ હોસ્પિટલ દ્વારા ‘સાન્તા જેવા બનો’ પહેલ અંતર્ગત 22 ડિસેમ્બર, બુધવારે નાતાલ ઉત્સવના પ્રતીક સમાન ‘સાન્તા ક્લૉસ’ને આમંત્રિત કર્યા હતા. હોસ્પિટલ ખાતે બાળકોએ ‘સાન્તા ક્લૉસ કે ફાધર ક્રિસમસ કે સંત નિકોલસ’ સાથે ફોટા પડાવ્યા હતા અને હોસ્પિટલના કર્મચારીગણ તરફથી સાન્તાના હસ્તે ભેટસોગાદો મેળવી હતી. બાળકોએ મીઠાઈ, નાસ્તા, ફ્રૂટ જ્યૂસનો પણ આનંદ માણ્યો હતો. દુનિયાભરમાં ખ્રિસ્તી સમાજનાં લોકો 25 ડિસેમ્બરને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસને ક્રિસમસ (નાતાલ) તરીકે ઉજવે છે. સાન્તા ક્લૉસ નાતાલ ઉજવણીનો એક મહત્ત્વનો હિસ્સો છે. ખ્રિસ્તી સંત નિકોલસ કોઈ ગરીબ વ્યક્તિને આર્થિક તંગીને કારણે ક્રિસમસ ઊજવવાથી વંચિત જોઈ શકતા નહોતા. એટલે તેઓ લાલ કપડાં પહેરીને, દાઢીમાં ચહેરો છુપાવીને ગરીબો માટે ખાવાની વસ્તુઓ અને ગિફ્ટ વહેંચતા હતા. ત્યારથી સાન્તા ક્લૉસનું રૂપ સામે આવ્યું છે. લાલ રંગ જિસસ ક્રાઈસ્ટના રક્તનું પ્રતીક ગણાય છે. જિસસ લાલ રંગ દ્વારા લોકોને માનવતાના પાઠ શીખવતા. એમનું માનવું હતું કે લાલ ખુશીનો રંગ છે. (તસવીરોઃ દીપક ધુરી)