કપિલ મુનિ રચિત સાંખ્ય યોગ અથવા તો પતંજલિ યોગસૂત્ર વાંચીએ ત્યારે આપણને મન, બુદ્ધિ અને અહંકાર
આપણામાં કઈ રીતે કામ કરે છે એનો પરિચય થાય છે. આપણે પાંચ ઇન્દ્રિયો દ્વારા માહિતીનો સંગ્રહ કરીએ છીએ. ગ્રહણ કરેલી એ બાબતો મગજમાં સ્થાન પામે છે અને મગજ એનું પૃથક્કરણ કરે છે. દા. ત. જ્યારે આપણી થાળીમાં કોઈ વર્તુળાકાર વાનગી પીરસવામાં આવે ત્યારે આપણી આંખો તેના રંગનું નિરીક્ષણ કરે છે. જ્યારે આપણે એ વસ્તુ મોંમાં મૂકીએ ત્યારે તેનો અમુક સ્વાદ આવે છે. આ રીતે મળેલી માહિતી મગજમાં સંગ્રહિત થાય છે અને તેને આધારે પૃથક્કરણ કરીને મગજ તરત જ કહી દે છે કે આ તો બટેટા વડાં છે. જેણે જિંદગીમાં ક્યારેય બટેટાં વડાં જોયાં કે ખાધાં નથી એ વ્યક્તિ ખાદ્યપદાર્થનું નામ તો નહીં કહી શકે, પરંતુ એના આકાર, રંગ અને સ્વાદની નોંધ એના મગજમાં ચોક્કસપણે થાય છે.
આ જ વાત આપણે કોઈ કારને ધ્યાનમાં રાખીને કહીએ. ધારો કે એક ઑડી કાર છે. એને જોઈને મગજ એને ઓળખી કાઢે છે અને આપણે ભૂતકાળમાં કરેલી નોંધના આધારે એના વિશેની પ્રતિક્રિયા નક્કી થાય છે. કોઇ શ્રીમંત વ્યક્તિ પોતાના સંપત્તિનો દેખાડો કરી રહી છે એવું વિચાર્યું હોય તો એ વાતની નોંધ થાય છે. જો ભવિષ્યમાં મારી પાસે આવી કાર હોય તો કેટલું સારું એવો વિચાર કર્યો હોય તો એવી પ્રતિક્રિયા થાય છે.
આ બધી મગજની રમતો છે એવું જેને સમજાઈ ગયું એ વ્યક્તિ તેનાથી વિરક્ત રહી શકે છે. જોકે, એવી વિરક્તિ તત્કાળ આવી જતી નથી. ક્યારેક વર્ષો, દાયકાઓ કે અને જન્મો લાગી શકે છે. એવી વિરક્તિ (અલિપ્તતા, નિરપેક્ષતા) પ્રાપ્ત થાય એટલે મોક્ષ મળ્યો કહેવાય.

અહીં આપણે મોક્ષની વાત કરતા નથી. વળી, મેં ઉપર જે ઉદાહરણ આપ્યું એ પણ સાંખ્યયોગનું કે પતંજલિ યોગસૂત્રનું સંપૂર્ણ દર્શન નથી.
આપણે મન, બુદ્ધિ અને અહંકારની રમતોનું નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ, કારણ કે એ જ રમતો આપણા જીવનમાં ઊથલપાથલ મચાવે છે. ઑડી કારનું ઉદાહરણ લઈએ તો કહી શકાય કે એને આપણે જો અહંકાર સાથે સાંકળી હશે તો તેનાથી તેને જોઈને આપણને સુખ નહીં થાય. મારી પાસે પણ આવી કાર હશે એવી ઇચ્છા રાખી હશે અને ઈચ્છા ફળીભૂત નહીં થઈ હોય તો અલગ જ વિચાર આવશે. હું એમ નથી કહેતો કે માણસે ઈચ્છાઓ રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ. કોઈ વસ્તુની ઈચ્છા કામના રાખવી એ દરેકનો પોતાનો વિષય છે. જો એની દેખાડા તરીકે નોંધ લીધી હશે તો પરોક્ષ રીતે બીજાને ઉતારી પાડવાનું આપણું વલણ એમાં ડોકાય છે. આવું વલણ પણ આપણને નુકસાનકારક નીવડે છે.
આપણું ચંચળ મન, બુદ્ધિ અને અહંકાર ભેગાં મળીને આપણું ચિત્ત બને છે. ચિત્ત આપણા વર્તમાન સુખને હરી લે છે. આપણે વર્તમાનમાં જીવવાને બદલે ભૂતકાળના અનુભવોના આધારે બીજાઓ વિશે અભિપ્રાય ઘડીએ છીએ અથવા ભવિષ્યનો વિચાર કરીએ છીએ. મારી પાસે પણ ઑડી કાર હોય એ ભવિષ્યનો વિચાર છે અને ઑડી કારના માલિક દેખાડો કરી રહ્યા છે એવો વિચાર બીજા વિશે અભિપ્રાય બાંધવાને લગતો છે.
યોગિક વેલ્થ કોઇ વસ્તુ સાથે સંકળાયેલી બાબત નથી. આથી જ યોગિક વેલ્થથી મળતી પ્રસન્નતા કાયમી હોય છે.
અહીં ફરી કહેવાનું કે સંપત્તિનું સર્જન જરૂર કરો, પરંતુ એ સંપત્તિ યોગિક વેલ્થ હોવી જોઈએ, જે આપણને કાયમી આનંદ-પ્રસન્નતા આપે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)


