ઘણી વાર લોકો કહેતા હોય છે, “મને કોઈ બ્રાન્ડની પડી નથી; મારે તો ફક્ત સારી ગુણવત્તા જોઈએ.” જો આ જ વાત
હોય તો ચાલો એક પરીક્ષણ કરી જોઈએ. તમારે કોઈની પણ મદદ લીધા વિના પ્રામાણિકપણે પરીક્ષણ કરવાનું છે. તમે જાણો જ છો કે યોગિક વેલ્થ કટારમાં આંતરિક નિરીક્ષણ અને પ્રામાણિકતા પર ભાર મૂકવામાં આવે છે.
ધારો કે તમે આઇફોન ખરીદવાનું નક્કી કર્યું. આઇફોનનો ભાવ 60 હજાર રૂપિયા છે અને તેના પર ઍપલ કંપનીનો લોગો પણ છે. આઇફોન ખરીદવાની તમારી ઈચ્છા હોવાથી તમે આ ફોન ખરીદશો કે નહીં?
હવે એવું ધારી લઈએ કે એ જ આઇફોન તમને પાંચ હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટમાં મળે છે, પરંતુ શરત એટલી છે કે તેના પર કંપનીનો લોગો નહીં હોય. શું તમે એ ફોન ખરીદશો?
હવે ત્રીજી સ્થિતિ. ધારો કે એ જ આઇફોન બધી જ ખાસિયતો સાથે મળે છે, પરંતુ એમાં ડિસ્કાઉન્ટ નથી. વળી, એના પર ઍપલને બદલે બીજી કોઈ કંપનીનો લોગો છે. શું તમે એ ફોન ખરીદવાનું પસંદ કરશો?

આપણે જાણીએ છીએ કે લોગો ખરેખર તો કંપનીની ઓળખ માટેનું એક પ્રતીક છે. કોઈ ચિત્ર અને અમુક રેખાઓ દોરીને લોગો બનાવવામાં આવે છે. આપણી બ્રાન્ડ પ્રત્યેની વફાદારી શું આપણે આ ચિત્ર અને રેખાઓના ગુલામ હોઈએ એવું નથી દર્શાવતી? કંપનીઓ પોતાની જાહેરખબર માટે તેનો ઉપયોગ કરે અને આપણે તેનાથી ગૌરવાન્વિત અનુભવીએ એ વિશે વિચાર કરવાની જરૂર નથી લાગતી? કંપનીઓના બ્રાન્ડિંગ વિશે મને સંપૂર્ણ જાણકારી છે, કારણ કે મેં માર્કેટિંગમાં અને ખાસ કરીને બ્રાન્ડિંગના સ્પેશિયલાઇઝેશન સાથે માસ્ટર્સ ડિગ્રી લીધેલી છે.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સારી ગુણવત્તાની વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરો. હંમેશાં નાણાંનું ખરું મૂલ્ય આપે એવી વસ્તુઓ ખરીદવાની હોય છે. બ્રાન્ડેડ વસ્તુઓ પણ ચોક્કસ ખરીદી શકાય, પરંતુ એ ખરીદી દ્વારા આપણે તેના ગુલામ બની જઈએ નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તમારું અસ્તિત્વ કોઈ બ્રાન્ડ પર આધારિત હોય એવી સ્થિતિ ઈચ્છનીય નથી.
મારો એક પરિચિત યુવક એક દિવસ કહી રહ્યો હતો, “મારા મિત્રો મને આઇફોન મૅન તરીકે ઓળખે છે.” યુવાવસ્થામાં આવું કહેવામાં ઘણું સારું લાગતું હોય છે અને તેથી એ વાતનો આનંદ લેવો, પરંતુ જેમ જેમ પરિપક્વતા આવતી જાય તેમ તેમ એ આસક્તિથી દૂર થતાં જવું. મારા એક કઝીન પણ ઘણી વાર કહે છે, “માણસની ઓળખ તેની કારથી થાય છે. તેનાં બાળકો પણ એવું બોલતાં શીખી ગયાં છે.” હાલમાં જ એના મોટા દીકરાએ મોટી કાર ખરીદવા માટે કાર લોન લીધી. એણે હજી થોડા વખત પહેલાં જ વ્યવસાય શરૂ કર્યો છે અને આવતા માર્ચ મહિનામાં એનાં લગ્ન છે. એ પોતાના સલામત ભવિષ્ય માટે સંપત્તિનું સર્જન શરૂ કરે એની પહેલાં જ કરજ નીચે આવી ગયો છે.

યોગિક વેલ્થ કહે છે કે ભૌતિકવાદનો આનંદ જરૂર લેવો, પરંતુ તમારું અસ્તિત્વ તેના પર નિર્ભર હોવું જોઈએ નહીં. પોતાના વાસ્તવિક સ્વરૂપમાં રહેવું એ જ યોગિક વેલ્થ. તમારી ઓળખ તમે વાપરો છો એ વસ્તુને કારણે હોય ત્યારે તમે એ વસ્તુના માલિક નહીં, પરંતુ ગુલામ બની જાઓ છો. હકીકતમાં એવું હોવું જોઈએ કે મને કોઈ વસ્તુ કે સેવાઓ વાપરવાનું ગમે તો હું એ સમય-સંજોગો અનુસાર તેની પસંદગી કરવાનો સંપૂર્ણ અધિકાર ધરાવું છું. એમાંથી કઈ વસ્તુ ક્યારે લેવી એ નક્કી કરવાની તમને સ્વતંત્રતા હોવી જોઈએ અને તેનાથી તમારા પર કોઈ બોજ આવવો જોઈએ નહીં.
સ્વતંત્રતા એને જ કહેવાય, જેમાં આનંદ આવે, ગુલામી ન હોય. યોગિક વેલ્થ આપણે જાતે ઊભી કરેલી માનસિક ગુલામીમાંથી મુક્ત થવાનું કહે છે. મનુષ્ય તરીકે આપણે અજાણ્યે માનસિક ગુલામીમાં આવી જઈએ છીએ અને એમાંથી બહાર નીકળવામાં આખી જિંદગી નીકળી જાય છે. ક્યારેક તો પોતે ગુલામીમાં છીએ એનું ભાન જ થતું નથી. આવી સ્થિતિથી સાવધાન રહેવું અને નિયમિતપણે આત્મસંશોધન કરતાં રહેવું.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)


