સારા માણસોએ ધન ભેગું કરવું કે નહીં?

ભારતમાં સંપત્તિની પ્રાપ્તિને ક્યારેય ઉતરતું કાર્ય ગણવામાં આવી નથી. યજુર્વેદના સ્કંદ 15ની 56મી સંહિતામાં ધન પ્રાપ્ત કરવા માટેના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો છે. લોકોએ અત્યંત ટૂંકા ગાળામાં મોટા પ્રમાણમાં નાણાં કમાઈ લીધાં હોવાના દાખલા આપણે જોયા છે. એ નાણાં ખરા અર્થમાં ધન નથી હોતાં. ટૂંકા રસ્તે, ગરબડ-ગોટાળા કરીને તથા અનૈતિક માર્ગે પૈસા કમાતો માણસ એક શોધો અને અનેક મળી જશે, પરંતુ એ પૈસો વધુ ટકતો નથી. પુરુષાર્થ વગરનો પૈસો જલદી ખલાસ થઈ જાય છે.

થોડા વખત પહેલાં મારી જાણમાં આવેલો એક કિસ્સો નોંધવા જેવો છે. એક પરિવારની કિશોરીને આઇપોડ જોઈતું હતું. તેના પિતાએ આગ્રહ રાખ્યો કે તેણે જાતે જ લગભગ 10 મહિના સુધી પોકેટ મની બચાવીને આઇપોડ ખરીદવા જેટલાં નાણાં ભેગાં કરી લેવાં. આજ્ઞાકારી દીકરી તરીકે તેણે દર મહિને અમુક રકમ બચાવવાનું શરૂ કર્યું. 10 મહિનાના અંતે પૈસા તો ભેગા થયા, પરંતુ આઇપોડના ભાવના 80 ટકા જેટલી જ રકમ ભેગી થઈ શકી. પિતાએ બાકીના 20 ટકા પૈસા આપવાનું નક્કી કર્યું અને દીકરીએ ઉત્સાહમાં આવીને આઇપોડ ખરીદી લીધું.

એ છોકરી આઇપોડનું જીવની જેમ જતન કરતી. એક દિવસ અમદાવાદથી મુંબઈના ટ્રેનના પ્રવાસ દરમિયાન તેણે આઇપોડ સાચવવા માટે મમ્મીને આપ્યું અને કમનસીબે મમ્મીનું પર્સ ટ્રેનમાંથી ચોરાઈ ગયું. દીકરીને આઘાત લાગ્યો. રડતાં રડતાં બોલી, “મેં મહામહેનતે 10 મહિના સુધી પૈસા બચાવીને આઇપોડ લીધું હતું, હવે હું શું કરું?” પ્રેમાળ માતાપિતાએ તેને નવું આઇપોડ ખરીદી આપ્યું.

થોડા મહિનાઓ પછી એ છોકરીના જન્મદિવસે માતાપિતાએ તેને કિન્ડલ ભેંટમાં આપ્યું, કારણકે તેને વાંચનનો ઘણો શોખ હતો. એ કિન્ડલ તેને વગર માગ્યે મળ્યું હતું. તે ભાગ્યે જ કિન્ડલ વાપરતી. પડ્યા-પડ્યા બેટરી ડાઉન થઈ ગઈ. કિન્ડલ તો આઇપોડ કરતાં પણ સારી વસ્તુ હતી, છતાં એ કન્યાએ તેની એટલી કાળજી રાખી નહીં.

મહેનત કર્યા વગર મળેલી વસ્તુની કદર હોતી નથી. ઉક્ત સંહિતા આપણને ધન ભેગું કરવા માટે મહેનત કરવાનું મહત્ત્વ સમજાવે છે.

આપણાં શાસ્ત્રોએ સંપત્તિસર્જનને ક્યારેય નિંદનીય કાર્ય ગણ્યું નથી. વળી, ધનને ક્યારેય દૂષણ પણ કહ્યું નથી. જો ધન દૂષણ હોય તો આપણા સાધુ-સંતોએ તેને લક્ષ્મીની ઉપમા આપી જ ન હોત; તેને સુરને બદલે અસુર ગણાવ્યું હોત.

શાસ્ત્રોએ તો ત્યાં સુધી કહ્યું છે કે ઉમદા માણસોએ સંપત્તિ ભેગી કરવી જોઈએ અને તેનો ઉપયોગ મનુષ્યજાતિ તથા જગતના કલ્યાણ અર્થે કરવો જોઈએ. જો સારા માણસો ધન ભેગું નહીં કરે તો દુષ્ટો કરશે અને તેઓ તેનો ઉપયોગ મનુષ્યજાતિ તથા જગતના વિનાશ માટે કરશે. આજકાલ આપણે યુદ્ધો માટે, આતંકવાદી પ્રવૃત્તિઓમાં, અંગત સ્વાર્થ માટે થતા કુદરતી સ્રોતોના વિનાશમાં આવો દુરુપયોગ થતો જોઈ શકીએ છીએ. જો એ જ ધન સારા માણસોના હાથમાં હોત તો કેવું સારું થાત!

સંપત્તિનો સવાલ છે ત્યાં સુધી ગૃહસ્થની જવાબદારી ઘણી મોટી કહેવાય. તેમણે સંપત્તિ ભેગી કરવા માટે પરિશ્રમ કરવો, એટલું જ નહીં, તેનો ઉપયોગ સંસાર છોડી ગયેલા એટલે કે યોગીઓ અને ઋષિઓના ભલા માટે તથા જરૂરિયાતમંદોની મદદ કરવા માટે કરવો. સાધુ-સંતો જેવા લોકોના જ્ઞાન અને અનુભવનો લાભ સમાજને મળી શકે એ માટે તેમના ઉદરનિર્વાહની જવાબદારી સંસારીઓએ નિભાવવી જોઈએ.

સંહિતા 56માં બીજો પણ અગત્યનો બોધ છે. પતિ-પત્નીએ ભેગાં મળીને સંપત્તિ વધારવી અને ભેગાં મળીને તેનો સદુપયોગ કરવો.

આપણાં શાસ્ત્રોમાં થયેલો ઊંડો વિચાર ખરેખર અહોભાવ જગાડે છે!

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)