અમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર

બંધુક જેવા સાધનો લોકોને નથી મારતા, લોકોને માનસિક બીમારી અને વિચારોની અધમતા મારે છે. આજે અમેરિકામાં સામુહિક હત્યાઓના સમાચાર રોજના થઇ રહ્યા છે. બંધુક દ્વારા થતી હત્યાઓ અને ઝગડાઓ વારંવાર સાંભળવા મળે છે ત્યારે ખરેખર આવતીકાલ માટે ભય લાગે છે.

ગન લઈને ફરનારા મોટાભાગનાને અસલામતી અને હીન ભાવના સતાવે છે. તેમાય ડ્રગ્સ જેવા નશાખોરી દ્રવ્યોને કારણે માનસિક સમતુલતા ગુમાવે છે પરિણામે થતી હત્યાઓમાં કેટલાય નિર્દોષોની જાન જઈ રહી છે.

ન્યુયોર્કના બ્રુકલિનમાં ૩૩ વરસના પિતા સાથે તેનો આઠ વર્ષનો દીકરા સાથે નેબરહુડમાં જઈ રહ્યો હતો.  કોઈ આંતરિક વિગ્રહને કારણે થયેલા ગોળીબારમાં પિતા અને પુત્ર બંને ઘાયલ થયા. આજ સુધી કોવીડને કારણે બાળકો ઘરમાં પુરાઈ રહેતા હતા, આજે આવા હુમલાને કારણે બહાર નીકળતાં ડરે છે.

થોડા દિવસ પહેલા ન્યુયોર્કનાં ટાઈમ સ્ક્વેરમાં થયેલા શુટીંગમાં ચાર વર્ષની બાળકી અને બે મહિલાઓને ઈજા થઇ હતી. તેઓ ટુરિસ્ટ હતા ને શોપિંગ કરી રહ્યા હતા. કોઈ અજાણ્યા બે વ્યક્તિઓ વચ્ચે બોલાબોલી થતા ફાયરીંગ શરુ થઇ ગયું. જેના ભોગ નિર્દોષ લોકોએ થવું પડ્યું.

આજ રીતે જરૂરિયાતો પૂરી કરવા લોકો લુંટફાટ કરતા હોય છે. જેમાં ડ્રગ્સ અને અપરાધભાવના ધરાવતા લોકો બેધડક ગોળીબાર કરતા પણ અચકાતા નથી. હમણા તાજેતરમાં ન્યુયોર્કમાં ભાદરણના યુવાન કીંશુકનું  મૃત્યુ થયું. રાત્રે સ્ટોર બંધ કરવાના સમયે લુંટફાટનાં ઈરાદાથી આવેલા આફ્રિકન અમેરિકન યુવાનને રોકવાના પ્રયત્ન કરતા કીંશુકને માથા ઉપર પ્રહાર કરતા તેનું મૃત્યુ થયું હતું. આમ અમેરિકાના બીજા શહેરો અને ભાગોમાં આજ રીતે હત્યાઓના બનાવો વધી રહ્યા છે.

આ બધાનું મૂળ કારણ બંધુક ખરીદારી ઉપર અપાતી છૂટ અને નાશાખોરીની વધતી જતી કુટેવ છે. આવા લોકો શરીર સાથે માનસિક રીતે કંટ્રોલ ગુમાવી દેતા હોય છે. પરિણામે તેમનો પોતાની ઉપરનો કાબુ રહેતો નથી. આજ કારણે આજકાલ સામુહિક હત્યાઓ પણ વધી રહી છે. આમાં વંશીયતા, જાતીય અને રાજકારણ જવાબદાર છે. કેટલીક વખત યુધ્ધમાંથી પાછા ફરેલા જવાનો પણ આવા માનસિક રોગના ભોગ બન્યાનું સાંભળવામાં આવે છે. થોડા સમય પહેલા આવીજ એક વ્યક્તિએ ૨૦ બાળકો અને ૬ વયસ્કોની હત્યા કરી હતી. આ યુદ્ધ દરમિયાન માનશીક તાણનો ભોગ બનેલ હતો. આ એક રીતે ગંભીર બીમારી ગણી શકાય. આવા લોકોને બંધુક જેવા સાધનોથી દુર રાખવા જોઈએ. આજે ચારે તરફ જ્યારે કોવીડને કારણે તણાવ ફેલાઈ રહ્યો છે ત્યારે આવા માનસિક તણાવો વધારે ભયજનક વધી રહ્યા છે. આવા સમયમાં બસ સ્વસ્થતા જાળવવી ખુબ જરૂરી છે.

રેખા પટેલ (ડેલાવર )