અલાહાબાદ યૂનિવર્સિટીના ચાન્સેલર તરીકે આશિષકુમાર ચૌહાણની નિમણૂક

મુંબઈઃ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ – મુંબઈ શેરબજાર)ના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણની ઉત્તર પ્રદેશના અલાહાબાદ સ્થિત અલાહાબાદ યૂનિવર્સિટીના નવા ચાન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ચૌહાણની આ નિમણૂક તાત્કાલિક અસરથી કરવામાં આવી છે અને તેમની મુદત પાંચ વર્ષની રહેશે. અલાહાબાદ યૂનિવર્સિટી દેશની અગ્રગણ્ય શિક્ષણ સંસ્થાઓમાંની એક છે. તે દેશની ચાર સૌથી જૂની યૂનિવર્સિટીઓમાંની એક છે, જેની સ્થાપના 1887ની સાલમાં કરવામાં આવી હતી.

ચૌહાણે પોતાની નિમણૂક કરવા બદલ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન કાર્યાલય, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડો. રમેશ પોખરિયાલ નિશંક અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો ટ્વિટરના માધ્યમથી આભાર માન્યો છે.