રોમાન્સિંગ ધ બ્લેક પેન્થર…

હમણાં હમણાં કર્ણાટકના કાબીની ફોરેસ્ટના એક બ્લેક પેન્થરની વિડીયો યૂ-ટયુબ પર ખાસ્સી એવી લોકપ્રિય થઇ રહી છે. ના, આ વિડીયો કાંઇ ડિસ્કવરી કે નેશનલ જિયોગ્રાફીક જેવી ચેનલે કરેલા બ્લેક પેન્થર પરના શૂટીંગની નથી, પણ આમ છતાં ય વાઇલ્ડ લાઇફના શોખીનો એ બ્લેક પેન્થર પર ઓવારી રહ્યા છે અને આ વિડીયો શેર કરી રહ્યા છે.

એમાં વાત તો બ્લેક પેન્થરની જ છે, પણ એ વાત એક પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમીની છે, એના દિલની લાગણીઓની છે. એમાં છૂપાયેલી પ્રાણી-પર્યાવરણ પ્રત્યેની જતનની ખેવનાની છે અને એટલે જ એ લોકોના દિલને સ્પર્શી રહી છે. વિડીયોનું ટાઇટલ પણ એ જ છેઃ રોમાન્સિંગ ધ બ્લેક પેન્થર…

વાત છે બેંગલુરુસ્થિત જાણીતા ફિલાન્થ્રોપિસ્ટ, લેખિકા અને જળ-પ્રકૃતિ સંરક્ષણક્ષેત્રે કાર્યરત સમાજસેવી રોહિણી નિલેકણીની. વિવિધ સામાજિક કાર્યો માટે અઢળક દાન કરનાર રોહિણી નિલેકણી ફક્ત દાન કરીને બેસી નથી રહેતા, બલ્કે અનેકવિધ સંગઠનો સાથે જોડાઇને જળ અને પ્રકૃતિ સંરક્ષણના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપી રહયા છે. આ રોહિણીજીએ હમણાં બેંગલુરુમાં યોજાએલા એક લિટરેચર ફેસ્ટીવલની એક સેશનમાં ઉષા કે. આર. સાથેની વાતચીત દરમ્યાન પોતાના આ બ્લેક પેન્થર સાથેના રોમાન્સની સંવેદનશીલ વાત રજૂ કરી હતી.

વાતચીતની શરૂઆતમાં જ દર્શાવાયેલી એક ટૂંકી ફિલ્મમાં રોહિણી નિલેકણીએ કાબીની જંગલમાં બ્લેક પેન્થરની શોધમાં પોતાનો અનુભવ શેર કર્યો હતો. ફિલ્મમાં વિવિધ લોકો દ્વારા ક્લિક કરાયેલા આ પેન્થરના ઘણા અદભૂત ફોટોગ્રાફ્સ પણ હતા.

(પ્રતીકાત્મક તસવીર)

પીળી ધારદાર આંખો અને કાળી ત્વચા ધરાવતા આ પ્રાણી સાથે જાણે એમને વર્ષોથી લગાવ હોય એમ એ કેટલાય વર્ષોથી જંગલમાં એમને શોધતા હતા. રોહિણીજી આ પેન્થરને પ્રેમથી બ્લેકી કહીને બોલાવે છે. આ બ્લેકી માટે એમણે અનેકવાર કાબીની ફોરેસ્ટની મુલાકાત લીધી છે. કલાકો સુધી રખડપટ્ટી કરીને બ્લેકી ની રાહ જોઇ છે.

આ વાતચીતમાં એ જંગલમાં કરેલી સફર, એની વિશાળતા અને સુંદરતાનું વર્ણન કરે છે, સાથેસાથે એ પણ સમજાવે છે કે શા માટે એમણે આ અનુભવ બ્લેક પેન્થર સાથેના રોમાંસ તરીકે વર્ણવે છે. રોહિણીજી કાબીની ફોરેસ્ટમાં પોતાના અનુભવોની વાત કરતાં કહે છે કે, આ અનુભવથી એમને શાંતિની અદભૂત અનુભૂતિ મળી છે અને પોતે આત્મનિરીક્ષણ પણ કર્યું છે. પોતાના આ અનુભવને એ હેનરી થોરો અને લીઓ ટોલ્સટોય જેવી કેટલીક રસપ્રદ વ્યક્તિઓના વિચારો સાથે પણ જોડે છે અને એના દ્વારા બધાનું ધ્યાન પર્યાવરણીય સ્થિરતા, સંરક્ષણ અને જૈવવિવિધતા તરફ વાળે છે. બ્લેકી ને શોધવાની એમની આ યાત્રા હકીકતમાં તો કુદરત સાથેના તાદાત્મ્યની, પ્રકૃતિના સ્ત્રોતોના સંરક્ષણ અને જાળવણીના પ્રતીક સમાન છે અને આ વાતને એમણે પ્રતીકાત્મક રીતે બખૂબી પોતાના વાર્તાલાપમાં વર્ણવી છે.

પ્રાણીઓ સાથેના માનવજાતના સંબંધો અંગે વાત કરતાં રોહિણી નિલેકણી વાતચીતમાં રાધિકા ગોવિન્દ્રજન દ્વારા લિખતિ ‘એનિમલ ઇન્ટિમેસીસ: ઈન્ટરસ્પીસીઝ રિલેશનનેસ ઇન ઈન્ડિયા સેન્ટ્રલ હિમાલય’ નામના પુસ્તકનો પણ ઉલ્લેખ કરે છે અને કહે છે કે, હું ઘણા સમયથી કાબીની ફોરેસ્ટમાં બ્લેકી ને શોધતી હતી, પણ એ ન મળ્યો. છેવટે મેં જ્યારે જાહેરમાં એને મળવા માટેની મારી લાગણી વ્યક્ત કરી ત્યારે જાણે તેણે એ સાંભળી લીધી હોય એમ મને મળી જ ગયો…

લિટરેચર ફેસ્ટીવલની આ વાતચીતમાં રોહિણી નિલેકણીએ કુદરતી વિશ્વ સાથે જોડાવાની તેમની પ્રેરણા વિશે ઘણી રસપ્રદ વાત કરી છે અને એ રીતે આપણને સૌને પણ પ્રાણીઓ અને પ્રકૃતિ સાથેના સંબંધોમાં આત્મનિરીક્ષણ કરવાની પ્રેરણા આપી છે.

એ વાતચીતની વિડીયોઃ

 

(કેતન ત્રિવેદી)