કોરોનાના ચેપના ભયથી પાલતુ પ્રાણીઓને ત્યજી દેશો નહીં

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ભારતમાં જ્યારે પહેલી વાર લોકડાઉન લાગુ કરાયું હતું ત્યારે પોતાના પાલતુ પ્રાણીઓને રોગનો ચેપ લાગવાના ખોટા ભયથી ઘણા માલિકો એમના પેટ્સનો ત્યાગ કરી દેતા હોવાના કિસ્સા બન્યા હતા.

ગુજરાત, ઉત્તર પ્રદેશના ઘણા શહેરો ઉપરાંત દિલ્હી, પુણેમાં ઘણા લોકોએ રસ્તા પર એમને કોઈ જોતું ન હોય ત્યારે એમના પાલતુ કૂતરાઓને રસ્તા પર છોડી દીધા હતા. હાલમાં જ મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં ઈન્ફિનિટી મોલ નજીક એક વોચમેને Shih Tzu નામના એક 3 વર્ષના કૂતરાને રસ્તા પર રઝળતો મૂકી દીધો હતો. એ માટે એને કૂતરાની માલિકણે 2000 રૂપિયા આપ્યા હતા.

એ ઘટના પોતાની આંખે જોનાર ગૌરવ ડુડે નામના એક નાગરિકે કહ્યું કે ખોટી અફવાઓને લીધે પાલતુ પ્રાણીઓનો ત્યાગ કરી દેવાનો દર ઊંચે ગયો છે. લોકો એવું સમજે છે કે પ્રાણીઓથી પોતાને કોરોના રોગ લાગુ પડશે. તે ઉપરાંત બીજો ડર એ પણ હોય છે કે ધારો કે પોતાને ચેપ લાગે અને ક્વોરન્ટાઈનમાં જવું પડે તો કૂતરાઓની સારસંભાળ કોણ રાખશે તેમજ લોકડાઉનને કારણે કામધંધા બંધ હોઈ આવક ઘટી જતાં આર્થિક સમસ્યા પણ પાલતુ કૂતરાઓનો ત્યાગ કરવા પાછળનું એક કારણ હોઈ શકે. બીજું કારણ એ પણ હોઈ શકે કે એવા લોકોને ભાડાનું ઘર છોડીને એમના વતનમાં પાછા જવું પડ્યું હોય. એવી સ્થિતિમાં પાલતુ કૂતરાઓની હાલત દયાજનક થઈ જાય છે. એવા કૂતરા તરછોડી દેવાયા બાદ રસ્તાઓ પર જીવી શકવાની ક્ષમતા ધરાવતા નથી હોતા. અન્ય રખડૂ કૂતરાઓ કે લોકો એવા કૂતરાઓને અત્યંત પરેશાન કરતા હોય છે.

તેથી કોરોનાને લગતી આવી ખોટી માન્યતાની ચેન તોડવાની જરૂર છે. Humane Society International/India સંસ્થાએ લોકો એમનાં પાલતુ કૂતરાઓને રસ્તા પર છોડી ન દે એ માટે એમને સમજાવવા માટે પોતાના અભિપ્રાયો શેર કર્યા છે.

World Organisation for Animal Health (OIE), World Health Organization અને CDC જેવી સંસ્થાઓનું કહેવું છે કે કૂતરા, બિલાડી કે બીજા કોઈ પાલતુ પ્રાણીઓથી કોવિડ-19 (કોરોના વાઈરસ) રોગ ફેલાતો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

હોંગકોંગમાં, ગયા ફેબ્રુઆરીમાં 17 વર્ષના પોમેરિયન જાતિના એક કૂતરાનો કોરોના વાઈરસનો રિપોર્ટ થોડોક પોઝિટીવ આવ્યો હતો, પણ ત્યારબાદનો ટેસ્ટ-રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. માર્ચમાં જર્મન શેફર્ડ પાલતુ કૂતરો કોરોના પોઝિટીવ બન્યો હતો જ્યારે અમેરિકાના જ્યોર્જિયામાં 6-વર્ષના એક મિશ્ર જાતિનો પાલતુ કૂતરો ન્યૂરોલોજિકલ બીમારીથી પીડાતો હોવાનું માલૂમ પડ્યું હતું. પાલતુ કૂતરાઓનો કોરોના ટેસ્ટ કરાયો એ પૂર્વે એ તમામના માલિકોને કોવિડ-19 હોવાનું માલૂમ પડ્યું હતું. એટલે પાલતુ કૂતરાઓના પોઝિટીવ ટેસ્ટ રિપોર્ટ પરથી એવો અર્થ કરી ન શકાય કે પ્રાણીઓથી રોગ ટ્રાન્સમિટ થઈ શકે છે.

OIE દ્વારા પાલતુ પ્રાણીઓના માલિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સ્વચ્છતાને લગતા નિયમો પાળે, જેમ કે પ્રાણીઓને સંભાળતા પહેલા અને ત્યારપછી હાથ ધોઈ નાખવાના. તેમજ ઘરની કોઈ વ્યક્તિને કોરોના થાય તો પરિવારના અન્ય સભ્યોએ જે સાવચેતીઓ રાખવી પડે એવી જ સાવચેતીઓથી પાલતુ પ્રાણીઓને પણ રક્ષણ આપવું જોઈએ.

HSI કંપનીના કમ્પેનિયન એનિમલ્સ એન્ડ એન્ગેજમેન્ટ વિભાગના ઈન્ટરિમ ડાયરેક્ટર કેરેન નાઝરેથનું કહેવું છે કે આપણને પાલતુ પ્રાણીઓની જેટલી જરૂર છે એટલી જ એમની આપણે કાળજી પણ લેવી જોઈએ. આ વૈશ્વિક મહામારીના સમયમાં આપણે એમના આરોગ્ય અને સલામતીને પણ એટલું જ પ્રાધાન્ય આપવું જોઈએ. આ વાઈરસને આપણા પેટ શ્વાન ટ્રાન્સમિટ કરે છે એવો હજી સુધી કોઈ પુરાવો મળ્યો નથી. તેથી મહેરબાની કરીને તમારા પેટ્સનો ત્યાગ કરશો નહીં.

ધારો કે કોઈને સેલ્ફ-ક્વોરન્ટાઈન થવાનું આવે કે કોઈ પરિવારજનને કોરોનાનો ચેપ લાગે તો પાલતુ પ્રાણીઓને પણ સેલ્ફ-આઈસોલેશનના સમયગાળા સુધી કોઈ સ્થાનિક ‘પેટ બોર્ડિંગ’માં શિફ્ટ કરી શકાય. પાલતુ પ્રાણીઓને બહારના પ્રાણીઓ સાથે હળવામળવાનું શક્ય એટલું ઓછું રાખવું જોઈએ. ધારો કે કોઈ પ્રાણીઓ તમે આપતા હો એવા ખોરાક કે પાણી પર નભતા હોય તો એને હાથ લગાડ્યા વગર આપો, કારણ કે મોહલ્લાના બીજા ઘણા લોકો પણ એમને ખવડાવતા હોય, જેમના આરોગ્ય વિશે કે એમના પ્રવાસને લગતી તમને કોઈ જાણકારી ન હોય.

બીજું, પાલતુ પ્રાણીઓ માટેના ફૂડ સપ્લાયનો બે અઠવાડિયા સુધી સ્ટોક કરી રાખવો જોઈએ તેમજ શક્ય હોય ત્યારે એમને ટૂંકા સમય માટે વોક માટે લઈ જઈ શકાય. ઘેર પાછા ફર્યા બાદ, એમના પંજાઓને પાણીથી સરખા ધોઈ નાખવા જોઈએ.

ભારત સરકાર પણ પ્રાણીઓ માટેની સેવાઓને આવશ્યક સેવા તરીકે ઘોષિત કરી છે અને પ્રાણીઓની હોસ્પિટલો તથા ક્લિનિક્સને સૂચના આપી છે કે તેમણે એ ખુલ્લી જ રાખવી. તે છતાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું જરૂરી હોવાથી માલિકે પહેલાં એના પશુચિકિત્સકને ફોન કરવો અને તે પછી સમય નક્કી કરાયા મુજબ જ પોતાના પેટને ક્લિનિક ખાતે લઈ જવું.