સફળ થવા માટે બાળક જેવી ઉત્કંઠા ખુબ જરૂરી

નવરાત્રીના માતાજીના સ્વરૂપને જોઈએ તો જીવનના વિવિધ કાળની પ્રતીતિ થાય. દરેક વ્યક્તિમાં એ શક્તિ જીવતી હોય છે. એ શક્તિ વખતો વખત વ્યક્તિને દિશાસૂચન કરે જ છે. પરંતુ જયારે સ્વાર્થ માથા પર સવાર થાય ત્યારે વ્યક્તિ અંદરનો અવાજ ભૂલી જાય છે. એની આંતરિક શક્તિ સુષુપ્ત થઇ અને ધરબાઈ જાય છે. એ શક્તિને ચેતના આપવા માટે શક્તિની આરાધના મદદરૂપ થાય છે. મહાભારતમાં બકાસુરના વધની વાત છે. આખું ગામ એ સ્વીકારીને બેસી ગયું હતું કે હવે માત્ર મરી જ જવું પડશે. ભીમને એ સ્વીકાર્ય ન હતું. અંતે એ વિજયી થયો.

 

 

 

 

 

 

 

 

 

 

 

જયારે આખું નગર દિશાહીન હોય ત્યારે પણ એવું તો ન જ માની લેવાય કે હવે કાઈ નથી. ક્યારેક આંધળો વિશ્વાસ તો ક્યારેક કાલ્પનિક ભય ધીરુ ઝેર બનીને માનસિક બળાત્કારની સ્થિતિમાં મૂકી શકે છે. પણ આવા સમયે ઉત્કંઠા વાળો સ્વભાવ કામ લાગી શકે. નવું જાણવા અને સમજવાની નીતિ કોઈ પણ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાનો અનુભવ આપવા સક્ષમ છે. સમસ્યાઓ તો દરેકના જીવનમાં રહેવાની જ. પણ એમાંથી રસ્તો કાઢીને બહાર નીકળવાનો સ્વભાવ હમેંશા મદદરૂપ થાય છે.

એક જ જગ્યાએ ઘણા બધા લોકો રહેતા હોય છે યા તો કામ કરતા હોય છે. બધાને એક સરખું વાતાવરણ મળે છે. કેટલાક પોતાના સ્વભાવના કારણે દુખી થાય છે અને કેટલાક પરિસ્થિતિમાંથી માર્ગ કાઢીને લોકોની નજરમાં આકરા પણ પોતાના માટે સારા નિર્ણયો લે છે. ઉત્કંઠા સહુથી વધારે બાળકોમાં જોવા મળે છે. અને જો મોટી ઉમર સુધી કોઈ વ્યક્તિમાં એક બાળક જીવતું હોય તો એ આસપાસના વાતાવરણને સમજવા અને શીખવા પ્રયત્ન કરશે. એનું અવલોકન વધારે સારું હશે. તેથી જ કોઈ પણ વાતને એ બારીકાઈથી સમજી શકે છે.

એ વ્યક્તિની આસપાસ કોઈ પણ ફેરફાર થતો હશે તો એની નજરમાં આવવાની શક્યતા વધારે રહેશે. વળી સતત નવું જાણવાની વૃત્તિના કારણે એ કાયમ અપડેટેડ હશે. કોઈ નવી ટેકનોલોજી, સોફ્ટવેર, કે નવી સીસ્ટમ વિષે સતત જાણવાનો એમનો અભિગમ એમને અન્ય કરતા અલગ વ્યક્તિત્વ આપશે. વળી ઉત્કંઠા ધરાવતી વ્યક્તિઓને જીવનમાં ઘણું બધું શીખવાનું હોય છે. એટલે અન્યની માંફક કોઈની કુથલી કરવામાં કે અન્યને રંજાડવામાં એમનો સમય વ્યતીત નથી થતો. એમને કોઈ પ્રકારની માથાકુટમાં પણ રસ નથી હોતો. ન ફાવે તો એ જે તે જગ્યાએથી ખસી જાય છે. અમને આગળ વધવું ગમે છે.

નકારાત્મક માણસો એમના માટે માત્ર રસ્તાની બાજુમાં ઉભેલા માઈલ સ્ટોન જેવા હોય છે. માત્ર ખુપી ગયેલા પત્થરો જે ક્યારેય જાતે ખસી શકતા નથી. એમને મારવા જઈએ તો પોતાને જ વાગે અને આગળ વધવાની ગતિ ઓછી થઇ જાય. જીવનમાં સફળ થવા માટે બાળક જેવી ઉત્કંઠા ખુબ જરૂરી છે. શક્તિની સાધના અને સતત નવું જાણીને આગળ વધવાની ભાવના માનવીને સફળ બનાવવા સક્ષમ છે.

(મયંક રાવલ)