લોકોમાં ગુસપુસ થવા લાગી ને લતિકાની આંખોમાંથી આંસુ વહેતા થયા

આંખોની શું ઝરૂર જો મન તને નિહાળે તો…‘ રેડિયો પર ગઝલ વાગી રહી હતી અને લતિકા ધીમે ધીમે ધારદાર ઓજાર વડે શિલ્પને આકાર આપી રહી હતી.

ગઝલ પુરી થઇ એટલે રેડિયો જોકીએ ફરીથી એક શાયરી સંભળાવી – લતિકાના ફેવરિટ શાયર ‘અરમાન‘ ની શાયરી. અરમાન તકલ્લુફથી લખતા એ શાયરને લતિકાએ ક્યારેય જોયા નહોતા પરંતુ શાયરીઓ સાંભળીને જ તેના પ્રેમમાં પડી ગઈ હતી. કહે છે કે શબ્દોથી જે હૈયા વીંધાય છે તેનો મરહમ ક્યારેય મળતો નથી. લતિકા સાથે પણ તેવું જ થયેલું.

કદાચ આ શિલ્પ હું ઈચ્છું છું તેવું જ લાગશે.‘ લતિકાએ કાચકાગળથી શિલ્પને ઘસતા વિચાર્યું.

લતિકાશું કરે છે દીકરાઆવ જમી લે હવે.‘ તેની મમ્મીએ અવાજ દીધો એટલે લતિકાએ ‘આવું છું મમ્મી,’ કહીને તેને એ શિલ્પને ઢાંક્યું. તેને હજી સુધી ઘરમાં પણ કોઈએ જોયું નહોતું. પોતાની લાઠી ઉઠાવી અને ધીમે ધીમે જમીન પર ટકોરતી લતિકા પોતાનો માર્ગ કરવા લાગી. બાળપણથી જ તેની આંખો જોવા માટે નહિ પરંતુ માત્ર દેખાવ માટે હતી. પહેલીવાર કોઈ જુએ તો લતિકાની આંખો જોઈને મોહી પડેપરંતુ તે સુંદર અણિયાળી આંખોમાં જરાય તેજ નહોતું તે ખબર ન પડે.

કેટલે પહોંચ્યું તારું એ ખાસ શિલ્પ?’ લતિકાની મમ્મીએ જમવાનું પીરસતા પૂછ્યું.

લગભગ પૂરું થવા આવ્યું છે મમ્મી.‘ લતિકાએ આતુરતાથી પૂછ્યું.

હાકહીશ. અત્યારે જમી લે.‘ મમ્મીએ વાત ટૂંકાવી.

ત્રણેક મહિના વીત્યા. શિલ્પ તૈયાર થઇ ગયું હતું. લતિકાએ આ શિલ્પને ખાસ કાળજીથી બનાવેલું. આમ તો બીજા શિલ્પ બનાવવામાં તે એકાદ મહિનાથી વધારે સમય ન આપતી પરંતુ આ વખતે બનાવેલું શિલ્પ તો તેના માટે ખાસ હતું એટલે તેને વધારે કાળજીથી બનાવ્યું હતું. હવે તેના શિલ્પનું પ્રદર્શન કરવાનો સમય હતો. લતિકાના પપ્પાએ શહેરની સૌથી સારી ગેલેરીમાં તારીખ લઇ લીધી હતી. આમંત્રણ મોકલાઈ ગયા હતા અને મહેમાનોએ પોતાની હાજરી અંગે જવાબ આપી દીધા હતા.

આખરે પ્રદર્શનનો દિવસ આવ્યો. લતિકાનો ઉત્સાહ સમાતો નહોતો. આજે તેના શિલ્પોને દુનિયા જોશે. શહેરના જાણીતા બધા જ લોકો પ્રદર્શનમાં આવવાના હતા તેવું તેના પપ્પાએ કહ્યું હતું. ઉદ્ઘાટન શહેરના મેયર અને બીજા એક ખાસ મહેમાનના હાથે કરવાનું હતું. એ ખાસ મહેમાન કોણ હતું તેની લતિકાને ખબર નહોતી. સસ્પેન્સ રાખવામાં આવેલું – તેની સરપ્રાઈઝ માટે.

આપ સૌ સમય કાઢીને આજે અહીં પધાર્યા એટલા માટે અમે સૌ આપણા ખુબ ખુબ આભારી છીએ. આજે લતિકાનું પહેલું શિલ્પ પ્રદર્શન યોજાયું છે. આશા છે આપણે સૌને પસંદ આવશે. જો આપ સૌની સહમતી હોય તો હું શહેરના મેયર શ્રી રઘુવીરભાઈને આમંત્રિત કરીશ અને સાથે લતિકા માટે જે ખાસ છે એવા મહેમાનને પણ આમંત્રિત કરીશ કે તેઓ પણ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરે.‘ લતિકાના પપ્પાએ જાહેરાત કરી.

આમંત્રિત લોકોએ તાળીઓના ગડગડાટથી હોલ ગજવી મુક્યો. શહેરના મેયર રીબીન કાપવા અને દીપ પ્રાગટ્ય કરવા આવ્યા. બરાબર એજ વખતે દરવાજામાંથી એક બીજા મહેમાન પણ પહોંચ્યા.

ઓહ અરમાન સાહેબ…‘ હોલમાં સૌ ગણગણવા લાગ્યા.

અરમાન સાહેબ?’ લતિકાના ચેહરા પર ચમક આવી ગઈ.

હાઅરમાન સાહેબને આમંત્રિત કર્યા છે. તારા ફેવરિટ છે ને?’ લતિકાની મમ્મીએ કહ્યું.

કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું.

હું આપ સૌને કહેવા માંગુ છું કે લતિકાએ એક ખાસ શિલ્પ બનાવ્યું છે જેને અમે પણ જોયું નથી. એ તેનું સિક્રેટ છે. આજે સૌને માટે તે સરપ્રાઈઝ છે. લતિકાહવે તો એ શિલ્પ પરથી પડદો હટાવ.‘ લતિકાના પપ્પાએ જાહેરાત કરી.

હાચોક્કસ. આ શિલ્પ મેં અરમાન સાહેબની કલ્પના કરીને બનાવ્યું છે અને તેમનો ચેહરો મેં મનની આંખોથી જેવો નિહાળ્યો તેવો અહીં આરસમાં કોતર્યો છે. મને તો વિશ્વાસ પણ નથી આવતો કે અરમાન સાહેબ આજે જાતે જ અહીં હાજર છે. શું આપણે તેમના હાથે જ આ શિલ્પનું અનાવરણ કરી શકીએ?’ લતિકાએ પ્રસ્તાવ મુક્યો.

ચોક્કસ.‘ કહેતા અરમાન સાહેબ સૌની તાળીઓના ગડગડાટ વચ્ચે આગળ આવ્યા અને તેમણે શિલ્પનું અનાવરણ કર્યું.

થોડા સમય માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો પછી ત્યાં હાજર લોકોમાં થોડી ગુસપુસ થવા લાગી.

તેમના જેવું તો નથી લાગતું.‘ લતિકાના કાને આવા શબ્દો પડ્યા કે તેની નિસ્તેજ આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ પડવા લાગ્યા.

મારી અંતઃદ્રષ્ટિ કેવી રીતે અરમાનને ન જોઈ શકી?’ લતિકાના મનમાં આ પ્રશ્ન વારે વારે જાગી રહ્યો હતો પરંતુ તેનો જવાબ તેની પાસે નહોતો. તે એક શિલ્પ અરમાન સાહેબના ચેહરા જેવું નહોતું દેખાતું તે વાતને બાદ કરતા આખું પ્રદર્શન ખુબ સરસ રહ્યું હતું. લોકોએ તો એ શિલ્પ પણ ખુબ વખાણ્યું હતું.

કોઈ બીજા વ્યક્તિ જેવું લાગે છે – જાણે કે હમણાં જ બોલશે.‘ એવી પ્રસંશા અરમાન માટે બનાવેલા શિલ્પની થઇ હતી.

પ્રદર્શન પૂરું થયું. સૌ પોતપોતાના ઘરે ગયા. લતિકા અને તેના મમ્મી પપ્પા પ્રદર્શન સંકેલવા માટે રોકાયા હતા. હોલના પટ્ટાવાળાએ આવીને એક પછી એક લાઈટ બંધ કરવા માંડી. છેલ્લી લાઈટ ચાલુ હતું ત્યાં કોઈ હોલમાં પ્રવેશ્યું.

હે ભગવાનઆવું કેવી રીતે બની શકે?’ લતિકાની મમ્મીના ઉદ્ગાર નીકળ્યા.

આઈ એમ શોક્ડ.‘ લતિકાના પપ્પાથી બોલાઈ જવાયું.

લતિકાને અંદરથી એવી લાગણી થઇ આવી જાણે કોઈ એવી વ્યક્તિ આવી છે જેની તે ઘણા વર્ષોથી રાહ જોઈ રહી હોય.

તમે કોણ છો?’ લતિકાના પપ્પાએ પૂછ્યું.

હું એ જ છું જેનું શિલ્પ લતિકાએ બનાવ્યું છે.‘ એ વ્યક્તિએ શાંત ચિતે જવાબ આપ્યો.

હાએજ તો. આ શિલ્પ તો હૂબહૂ તમારા જેવું જ છે.

અરમાનના નામથી જે શાયરીઓ છપાય છે તે બધી મેં જ લખી છે.

શું વાત કરો છોઅરમાન સાહેબ તો હમણાં જ અહીંથી ગયા છે.‘ લતિકાની મમ્મીએ દલીલ કરી.

વાત બહુ લાંબી છે. ટૂંકમાં કહીશ. આજથી દશેક વર્ષ પહેલા મેં શાયરીના ત્રણ સંગ્રહ લખેલા. તેમને છપાવવા હું પ્રકાશકની ખોજ કરી રહેલો. અચાનક મારા પિતાનું અવસાન થયું. મમ્મીને એવી બીમારી લાગી કે તેનો ઈલાજ કરાવવામાં પપ્પાની બધી જ બચત એકાદ વર્ષમાં ખાલી થઇ ગઈ. હું શાયર બનીને જીવન વિતાવું તો મારી પરિવાર પ્રત્યેની ફરજ ચૂકું તેમ હતું. તેવા સમયે હું નોકરીની શોધમાં હતો ત્યારે એક પ્રકાશકે મારી શાયરીઓ ખરીદવાનો પ્રસ્તાવ મુક્યો – શરત એ હતી કે તે પોતાના નામે છાપશે. મારી માંના ઇલાજનો ખર્ચ ઉઠાવવા બાદલ શાયરીઓ આપી દેવાનો સોદો થયો. તેણે ‘અરમાનના તખલ્લુસથી શાયરીઓ છાપી અને ખુબ પ્રખ્યાત બની ગયા. હું તો મારા વચનથી બંધાયેલો છું એટલે ક્યારેય આ વાત કોઈને કહી નથી. પરંતુ આ દુનિયાની આંખો જે શાયરને ન જોઈ શકે તેને આ ચક્ષુવિહીન યુવતીના અંતઃચક્ષુએ જોઈ લીધો. તારી પોતાની આંતરિકશક્તિ પરની શ્રદ્ધા ન તૂટે એટલા માટે હું આજે અહીં સત્ય કહેવા આવ્યો છું પરંતુ તમે ત્રણેય મને વચન આપો કે આ વાત બીજા કોઈને કહેશો નહિ.‘ અરમાન સાહેબ બોલતા ગયા અને તેની વાત સાંભળતા લતિકાની આંખ ભરાઈ આવી. તેના મમ્મી પપ્પા પણ ભાવવિભોર બની ગયા હતા.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)