કિશોરદાના ભાવથી અમિતકુમારને લાભ

ગાયક અમિતકુમારને પિતા કિશોરકુમારનો ભાવ વધુ હોવાથી પણ ગીતો ગાવાની તક મળતી હતી એવો એકરાર એક મુલાકાતમાં કર્યો છે. અમિતકુમારનું પહેલું સફળ ગીત ‘બાલિકા બધુ’ (૧૯૭૬) નું ‘બડે અચ્છે લગતે હૈ’ હતું. એ ગીત અચાનક મળી ગયું હતું. એક વખત કલકત્તાથી મુંબઇની યાત્રા વખતે કિશોરકુમાર સાથે અમિત આર.ડી. બર્મનને ત્યાં ગયો હતો. ત્યાં મન્ના ડે અને કિશોરકુમાર એક કોમેડી ગીતનું રિહર્સલ કરતા હતા ત્યારે પંચમદાએ અમિત ગાતો હોવાનું સાંભળ્યું હોવાથી કંઇક ગાવા કહ્યું.

અમિતે મહાન ગાયકોની હાજરીમાં ગાવાનું હોવાથી ‘ઝૂમરુ’ ગીત બેચેનીથી ગાયું. પછી ઘરે જતી વખતે કિશોરકુમારે ઠપકો આપ્યો કે ગીત ખરાબ ગાયું હતું. ત્યારે અમિતકુમારે એમને કહી દીધું કે હવે તે કલકત્તા જ રહેશે અને સ્ટેજ પર ગાતો રહેશે. પણ એ સાંજે પંચમદાનો કિશોરકુમાર પર ફોન આવ્યો. એમણે કહ્યું કે અમિત સાથે એક ગીત કરવા માગે છે. અમિતકુમાર ત્યાં પહોંચ્યા ત્યારે પંચમદાએ સ્પષ્ટ કહી દીધું કે એમને આ ગીતમાં કિશોરકુમાર જોઇતા નથી. તેણે અમિતકુમાર તરીકે ગાવાનું છે.

અમિતકુમારે પોતાની રીતે ‘બડે અચ્છે લગતે હૈ’ ગાયું. આજે ‘બાલિકા બધુ’ આ ગીતથી વધારે ઓળખાય છે પરંતુ ફિલ્મ તરત હિટ થઇ ન હતી. એક વર્ષ પછી ફિલ્મ અને ગીતોને લોકપ્રિયતા મળી હતી. નિર્માતા શક્તિ સામંતાના પુત્ર અસીમે ત્યારે અમિતકુમારને કહ્યું હતું કે આ ફિલ્મ માટે પહેલાં અનિલ કપૂરે ધોતી-કુર્તામાં ઓડિશન આપ્યું હતું. સામંતાને એ યોગ્ય લાગ્યો હતો. જ્યારે નિર્દેશક તરુણ મજુમદારને સચિન વધુ યોગ્ય લાગતાં તેને પસંદ કર્યો હતો.

અમિતકુમારે પોતાનો ગાવાનો અલગ અંદાજ રાખ્યો હતો. પરંતુ કિશોરકુમારનો ભાવ વધુ હોવાથી ઘણી વખત સંગીતકારો અમિતકુમાર પાસે ગીત ગવડાવતા હતા. નિર્દેશક રાજ. એન. સિપ્પીની ફિલ્મ ‘જીવા’ (૧૯૮૬) માં સંગીતકાર આર.ડી. બર્મન ‘રોજ રોજ આંખોં તલે’ ગીત તૈયાર કરી રહ્યા હતા. એ મંદાકિની પર ફિલ્માવવામાં આવનાર હોવાથી માત્ર આશા ભોંસલેના સ્વરમાં હતું. જ્યારે સંજય દત્તને આ વાતની ખબર પડી ત્યારે એણે કહ્યું કે તે ગીતમાં ખાલી ઊભો રહેવા માગતો નથી. એટલે છેલ્લે એક કડી પુરુષ સ્વરમાં રેકોર્ડ કરવાનું નક્કી થયું.

પંચમદાએ અમિતકુમાર સાથે વાત કરવા ઘરે ફોન કર્યો ત્યારે કિશોરકુમારે ઉપાડ્યો. પંચમદાએ અમિતકુમાર સાથે વાત કરાવવા કહ્યું. કિશોરકુમારે પોતે એ ગીત ગાવાની ઇચ્છા વ્યક્ત કરી. પંચમદાએ કહ્યું કે એમનું એટલું બજેટ નથી. અને ‘રોજ રોજ આંખોં તલે’ ગીત આશા ભોંસલે અને અમિતકુમાર સાથે તૈયાર કરવામાં આવ્યું. અમિતકુમારે એ વાત સ્વીકારી છે કે નિર્માતા ફી પૂછતા ત્યારે કિશોરકુમાર ગીત રેકોર્ડ કરતાં પહેલાં સહગાયિકાને કેટલા ચુકવવામાં આવનાર છે તે જાણીને એનાથી થોડા વધારેની માંગણી કરતા હતા. એ કારણે જ અમિતકુમારને તેમના વિકલ્પ તરીકે ઘણી ફિલ્મોના ગીતો ગાવાની તક મળી હતી.