દુશ્મનાવટ છતાં ચીન સાથે વેપાર વધીને 125-અબજ ડોલરને પાર

નવી દિલ્હીઃ ચીન સાથે વણસેલા સંબંધો છતાં બંને દેશો વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે. વર્ષ 2021માં બંને દેશોની વચ્ચે વેપાર 125 અબજ ડોલરે પહોંચ્યો છે, જે ગયા વર્ષની તુલનામાં 43.3 ટકા વધુ છે. વર્ષ અગાઉ પૂર્વ લદ્દાખમાં બંને દેશો વચ્ચેની સેનાઓની વચ્ચે ટેન્શનને કારણે સંબંધોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જોકે ભારતની વેપાર ખાધ વધીને 69 અબજ અમેરિકી ડોલરે પહોંચી હતી, એમ સત્તાવાર ડેટા કહે છે.

બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર 2021માં 125.66 અબજ ડોલર થયો હતો, જે 2020ની તુલનાએ 43.3 ટકા વધુ હતો. ભારતમાં ચીનની નિકાસ 97.52 અબજ ડોલર હતી, જે 46.2 ટકા વધુ છે, જ્યારે ચીને ભારતમાંછી 28.14 ડોલરના મૂલ્યના માલસામાનની આયાત કરી હતી, જે 34.2 ટકા વધુ છે. ભારતે બંને દેશો વચ્ચે વધતી વેપાર ખાધ અંગે ચિંતા વ્યક્ત કરતાં બીજિંગ પર આરોપ મૂક્યો હતો કે ચીને તેના બજારોને ભારતીય આઇટી અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો માટે ખુલ્લાં નથી કર્યાં. ભારતે કોરોનાની ઘાતક બીજી લહેરમાં ચીનથી મેડિકલ ઉત્પાદનો અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે કાચા માલની  આયાત કરી હતી.

પૂર્વ લદ્દાખમાં બંને દેશો વચ્ચે તણાવ છતાં દ્વિપક્ષી વેપાર 100 અબજ ડોલરને પાર થયો હતો. બંને દેશો વચ્ચે 14મા રાઉન્ડની વાટાઘાટ પૂરી થઈ ગઈ છે, છતાં હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. બંને દેશોએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર પહાડી વિસ્તારોમાં 50,000થી 60,000 સૈનિકો હાલમાં ખડકી દીધા છે.