બિટકોઇનમાં 2.6 ટકાનો ઘટાડો નોંધાયો

મુંબઈઃ ફેડરલ રિઝર્વ આગામી થોડા મહિનાઓમાં વ્યાજદરમાં વધારો કરવા લાગશે એવી ધારણા છે. વર્ષ 2018 પછી પહેલી વાર અમેરિકાની આ કેન્દ્રીય બૅન્ક નીતિવિષયક વ્યાજદરમાં વધારો કરશે એવી શક્યતાને પગલે સ્ટૉક્સથી લઈને ક્રીપ્ટોકરન્સી સુધીની વધુ જોખમ ધરાવતી ઍસેટ્સના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આ સંભાવનાને અનુલક્ષીને શુક્રવારે બિટકોઇનના ભાવમાં ઘટાડો થયો હતો અને પાછલા દિવસની સંપૂર્ણ વૃદ્ધિ ધોવાઈ ગઈ હતી. જોકે, આ અગ્રણી ક્રીપ્ટોકરન્સી 40,000થી 44,000 ડૉલરની પોતાની ગત થોડાં સપ્તાહોની ટ્રેડિંગ રૅન્જની અંદર રહી હતી.

બિટકોઇનની સાથે સાથે અન્ય મોટી ઓલ્ટરનેટિવ ક્રીપ્ટોકરન્સીના ભાવમાં પણ ઘટાડો થયો હતો. આ બધા વચ્ચે ફક્ત ડોઝકોઇનમાં નોંધનીય વૃદ્ધિ થઈ હતી. ઈલેક્ટ્રિક કાર ટેસ્લાના સ્થાપક ઈલોન મસ્કે કંપની દ્વારા ટેસ્લા મર્ચન્ડાઇઝ સામે ડોઝકોઇનનો સ્વીકાર થતો હોવાનું કહ્યું તેને પગલે એમની આ ફેવરિટ ક્રીપ્ટોકરન્સીના ભાવમાં વધારો થયો હતો.

શુક્રવારે બપોરે ચાર વાગ્યા સુધીમાં બિટકોઇનના ભાવમાં 2.6 ટકાનો ઘટાડો થઈને ભાવ 42,616 ડૉલર થયો હતો, જ્યારે એથેરિયમમાં પણ એટલા જ ટકાના ઘટાડા સાથે ભાવ 3,265 ડૉલર થયો હતો. ક્રીપ્ટોકરન્સીનું કુલ માર્કેટ કૅપ પણ 2.6 ટકા ઘટીને 2.03 ટ્રિલ્યન ડૉલર રહ્યું હોવાનું કોઇનમાર્કેટકૅપ પરના ડેટા દર્શાવે છે.

આ જ સમયે IC15 ઇન્ડેક્સ 3.03 ટકા (2,039 પોઇન્ટ) ઘટીને 65,292.45 પોઇન્ટ બંધ રહ્યો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ
ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
67,331 પોઇન્ટ 68,094 પોઇન્ટ 64,939 પોઇન્ટ 65,292 પોઇન્ટ

ડેટાનો સમયઃ 14-1-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

————————–